- બનાસકાંઠામાં કોરોનાથી 2500થી વધુ લોકો સંક્રમિત
- 100 જેટલાં લોકો કોરોનાથી મોતને ભેટી ચૂક્યા
- મ્યુકોરમાઇકોસીસથી એક મહિલા દર્દીનું મોત
બનાસકાંઠા : જિલ્લામાં કોરોનાને લીધે અત્યારસુધી 2500થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમજ 100 જેટલાં લોકો મોતને ભેટી ચૂક્યા છે. ત્યારે કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયેલ દર્દીઓમાં હવેમ્યુકોરમાઇકોસીસનો રોગ જોવા મળતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આવા ભયાનક મ્યૂકરમાઈકોસિસ નામના રોગથી એક મહિલા દર્દીનું મોત નિપજતાં જિલ્લાભરમાં આ રોગથી દહેશત ઉભી થઇ છે.
કોરોના પોઝિટિવ મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મહિલા મ્યૂકોરમાઈકોસીસમાં સપડાઈ
સમગ્ર વિગતો જોઈએ તો પાલનપુર તાલુકાના કોઇટાપુરા ગામે રહેતાં કમળાબેન ત્રિભુવનદાસ કર્ણાવત નામની મહિલાને થોડા દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, થોડાં દિવસની સારવાર બાદ તેઓ રિકવર થઈ હોસ્પિટલથી ઘરે પરત ફર્યાં હતા. પરંતુ તેમને ડાયાબીટીસની તકલીફ વધતાં સારવાર અર્થે ફરીથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખેસડાયા હતા. જ્યાં તેઓને મ્યૂકોરમાઈકોસીસનો રોગ થતાં તેઓ સારવાર દરમ્યાન શુક્રવારે રાત્રે મોતને ભેટયા હતા. જિલ્લામાં મ્યૂકોરમાઈકોસીસ રોગથી પ્રથમ મોત નિપજતાં આરોગ્ય વિભાગમાં હડંકપ મચ્યો છે. તો જિલ્લા વાસીઓમાં પણ આ રોગથી ફફડાટ વ્યાપ્યો છે.