બનાસકાંઠાઃ જિલ્લામાં દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તારોમાં ચાલતી શાળામાં લાંછન લગાડતી એક પછી એક ઘટના સામે આવી રહી છે. કુંભારીયાની કારમેલ ઈગ્લીશ સ્કુલમાં સંચાલકો ધર્મ પરીવર્તન કરાવવાના આક્ષેપ, આદીવાસી લોકોના જમીન દબાવી લેવાના આક્ષેપની ઘટના બાદ હવે જેતવાસ ગામની સરકારી પ્રાથમીક શાળામાં આચાર્ય અને શિક્ષક વચ્ચે ખટરાગ ઉભો થવાની ઘટના સામે આવી છે. જેની ફરિયાદ શિક્ષણ વિભાગ સુધી પહોંચી છે.
ગ્રામજનોએ શાળાના આચાર્યને બદલવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે, શાળાના આચાર્ય પોતે હાજર ન રહેવા છતા મસ્ટરમાં ખોટી હાજરી ભરી દે છે. તેમજ શાળામાં બાળકો પાસેથી જ સફાઈનું કામ કરાવે છે, ત્યારે જો આચાર્ય બેનને બદવામાં નહી આવે તો અમે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારમાં આવી છે.
આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગેનાભાઈએ આક્ષેપ કર્યો છે કે, જેતવાસ પ્રા.શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવનારા આચાર્ય બેન પ્રસુતિની રજા પર ગયા ત્યારે શાળા ચલાવવા માટે નાણાંકીય ચાર્જ આપ્યો ન હતો, જેથી ઈ.ચાર્જમાં આવતા શિક્ષકે પોતાના ખર્ચથી 6 મહિના સુધી શાળા ચલાવી હતી. ત્યારે આચાર્ય જ્યારે પરત આવ્યા ત્યારે તેમની પાસે નાણાકીય ચાર્જ માંગતા તેઓ શિક્ષકને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.
શાળામાં એસ.સી, એસ.ટી શિક્ષકોને તેમજ બાળકોમાં જાતી ભેદભાવ રાખવામાં આવે છે. શાળાના શૌચાલયોમાં સફાઈ કામ બાળકો પાસેથી કરાવાવામાં આવે છે. ખર્ચના ખોટા બીલો મૂકી ઉનાળુ વેકેશનમાં ગેર હાજર હોવા છતા શાળામાં હાજરી પત્રકમાં સહી કરી મસ્ટર સાથે ચેડા પણ કર્યા છે. શાળાનો મુખ્ય ગેટ તથા દિવાલ પણ તોડી પડાવી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બાબતે ઉચ્ચકક્ષાએ થયેલી રજૂઆતના પગલે શાળામાં ચાલતી ગેરરીતીઓની તટસ્થ તપાસ થાય તેમાટે જિલ્લાના અન્ય તાલુકાના ટીપીઓને તપાસ માટે મોકલવામાં આવ્યા છે, તેઓ દ્વારા તમામ સાધનીક કાગળોની ચીવટ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે શાળાના આચાર્યએ તમામ આક્ષેપોને ફગાવી શિક્ષક દ્વારા માનસીક ત્રાસ આપવાની વિભાગીય ફરિયાદ કરી છે. તેમજ દિવાલ અને દરવાજો બોરવેલની ગાડી લાવવા માટે તોડવામાં આવ્યાં હોવાનુ જણાવ્યું હતું.