છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન સરહદ પરના ખારા રણના જેસલમેરથી બનાસકાંઠા સુધીના અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડના આક્રમણની દહેશત સેવાઈ રહી છે. થોડા દિવસ અગાઉ જેસલમેર નજીકના 90થી વધુ ગામોમાં તીડની અસર જોવા મળતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ અઠવાડિયા પહેલા વાવ તાલુકાના લોદ્રાણી અને અસારા ગામના રણવિસ્તારમાં છુટા છવાયા તીડ જોવા મળ્યા હતા.
ત્યાર બાદ હવે સુઈગામના સમલી, મેઘપુરા અને બુકણામાં તીડ આવતા ખેતીવાડી વિભાગ દ્વારા લોકેશન મેળવી લેવાયાં બાદ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા જંતુનાશક દવાની છંટકાવ કામગીરી શરૂ કરી નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તીડના પ્રવેશથી ખેતીવાડી વિભાગે રણકાંઠાના ખેડૂતોને સાબદા કર્યા છે અને જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય તો તરત ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે. રણકાંઠાના ગામોમાં જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય કે તરત તલાટી, સરપંચ, મામલતદાર, ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગને જાણ કરવા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.
બીજી બાજુ જો વરસાદ થાય તો તીડ નાશ પામે છે. બનાસકાંઠા માં સરહદી વિસ્તારો દુષ્કાળગ્રસ્ત હોવાથી આ વિસ્તારમાં સામાન્ય વાવેતર થયું છે. જેથી તીડના સંભવિત આક્રમણથી ખેડૂતોને કોઈ નુકસાન હાલમાં નથી. પરંતુ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 2 ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કરી ખેડૂતોને કોઈ નુકસાન ન થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
1993માં તીડ આવ્યા ત્યારે ખૂબ નુકસાન થયું હતું. હવે વર્ષો પછી ફરી બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ અને સુઈગામ વિસ્તાર ના 6 ગામોના 5 કિલોમીટરના વિસ્તારમાં તીડની અસર જોવા મળી છે. જેથી તીડ નિયંત્રણ વિભાગે હાલમાં દવાનો છંટકાવ કરી નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે જિલ્લા કલેક્ટરે પણ વાવેતર થયું ના હોવાથી કોઈ જ નુકસાન ન થયું હોવાનું જણાવ્યું હતું.
...