બનાસકાંઠાઃ બનાસ નદીને કિનારે વસેલાં ડીસા શહેરની સ્થાપના લગભગ 1823માં બ્રીટીશરો દ્વારા કરવામાં આવી હતી. તે સમયે કચ્છથી માઉન્ટ આબુ જતાં વેપારીઓને ડીસા નજીકના ભીલો, રજપૂતો અને ડફેરો દ્વારા લૂંટી લેવામાં આવતા હતા અને તેમનો ત્રાસ ખૂબ જ વધારે હતો. જેના લીધે કચ્છથી માઉન્ટ આબુ સુધીના માર્ગમાં બ્રીટીશરોને સૌથી આદર્શ સ્થાન ડીસા અપાયું હતું.
ડીસા શહેરની આબોહવા, અહીંની ભૌગોલિક સ્થિતિ અને અહીની પાણી સર્વોત્તમ હતું. જેના લીધે બ્રીટીશરોએ ડીસામાં લશ્કરી કેમ્પની સ્થાપના કરી હતી. આ લશ્કરી છાવણીમાં સૈનિકો પણ ભારતના જ હિંદુઓ હતા. જેના પગલે બ્રિટીશ લશ્કરોના હિંદુ સૈનિકોએ ડીસામાં અલગ-અલગ સ્થળો પર હિન્દુઓના આરાધ્ય દેવ એવા મહાદેવના મંદિરોની સ્થાપના કરી હતી.
આ મંદિરોમાં પૂજાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે આજે આપણે શહેરના અન્ય એક મંદિરની વાત કરીશું કે જેનું નામ પણ લશ્કરના નામ પરથી પડેલું છે. પલટન મંદિરનો ઈતિહાસ શું છે? તેની પર એક નજર કરીએ. ડીસા શહેરના નેહરુનગર ટેકરા વિસ્તારમાં આવેલા આ મંદિરનું નામ છે પલટન મહાદેવ મંદિર... જી હા.. પલટન મહાદેવ મંદિર.
આ મંદિરની સ્થાપના પણ બ્રિટીશ શાસન દરમિયાન કરવામાં આવી હતી. બ્રિટીશ શાશન દરમિયાન જે હિંદુ સૈનિકો હતા તેમની પલટન જ્યાં રહેતી હતી, તે સ્થળ પર સ્થાપવામાં આવેલા આ મંદિરનું નામ પલટન મહાદેવ રાખવામાં આવ્યું હતું.
આમ, પલટન મહાદેવ મંદિરનો પલટન શબ્દ લશ્કરની પલટન પરથી રાખવામાં આવ્યો છે. આજે પણ શહેરના નેહરુ નગર ટેકરા વિસ્તારમાં આવેલા આ મંદિરમાં અસંખ્ય ભક્તો ભગવાન ભોલાનાથના દર્શન કરવા પધારે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે પલટન મહાદેવ મંદિર પર ભક્તોની સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી રહ્યા છે.