ડીસાઃ વર્તમાન સમયમાં ભારત અને ચીન વચ્ચે ગરમાગરમી છે અને દેશની સરહદની રક્ષા કરતા સૈનિકો સીમા ઉપર તેના પરિવારથી પણ દૂર રહીને વાત છે. ત્યારે આવા કપરા સમયમાં પોતાના પરિવારથી દૂર રહેલા આ સૈનિકો માટે પ્રેમ અને હુંફ અને લાગણી દેશવાસીઓ દ્વારા મળી રહે તે માટે ગુજરાત સરકાર અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક યુવા બોર્ડ દ્વારા રાજ્યની મહિલાઓ દ્વારા રાખડીઓ મોકલવામાં આવી રહી છે.
શુક્રવારના રોજ ડીસા વિધાનસભા મતવિસ્તારના અલગ-અલગ ગામોમાંથી લગભગ 500 કરતા પણ વધુ રાખડીઓ દેશની સીમાઓની રક્ષા કરતા જવાનો માટે મોકલવામાં આવી હતી. રાખડીઓની સાથે-સાથે જવાનોને પત્રો પણ લખવામાં આવ્યા હતા. ડીસા તાલુકાના અલગ-અલગ ગામોમાંથી મહિલાઓએ જવાનોને તેમની બહેનોની ખોટ ન પડે તે માટે રાખડી મોકલી હતી.
મહત્વની વાત તો એ છે કે હજુ રક્ષાબંધનના તહેવારને 10 દિવસનો સમય બાકી છે. ત્યારે બહેન તેના ભાઇને રાખડી બાંધે તે પહેલા "પહેલી રાખડી દેશ પ્રેમ કે નામ કી" અંતર્ગત દેશના જવાનોને રાખડી મોકલી છે અને સરહદ પર ફરજ બજાવી રહેલા સેનાના જવાનોની રક્ષા માટે કામના કરી છે.
શુક્રવારના રોજ ફક્ત ડીસા તાલુકામાંથી બહેનોએ સરહદ પર દેશની રક્ષા કરવા જવાનો માટે 1500થી વધુ રાખડી મોકલી હતી. ત્યારે દેશના જવાનો માટે બહેનોના પ્રેમને ઉત્સાહ વધારવા માટે સ્થાનિક ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડ્યાએ રાજ્ય સરકાર અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો.