- ડીસા ડેપોમાં 5 મહિનાનું દુકાનદારોનું ભાડું બાકી
- ડેપો મેનેજર દ્વારા નોટિસ આપી હોવા છતાં ભાડું નહીં ભરતા કડક કાર્યવાહી
- કરાર પ્રમાણે દુકાનદારો ભાડું ભરવા તૈયાર
- દિવાળીના તહેવારોમાં દુકાનો સીલ કરતા વેપારીઓને નુકસાન
બનાસકાંઠાઃ ડીસા ડેપોને ઉત્તર ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો ડેપો માનવામાં આવે છે. જેમાં અંદાજે 20થી પણ વધુ દુકાનો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભાડા પેટે આપવામાં આવી છે, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે બસ સેવા બંધ થતા તમામ વ્યવહારો બંધ થયા હતા. જેમાં વેપારીઓ દ્વારા પોતાની દુકાન બંધ હોવાના કારણે ભાડું ભરી શક્યા નહોતા. જેના કારણે દુકાનદારોએ ભાડામાં રાહત મેળવવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, પરંતુ લોકડાઉન ખૂલતાની સાથે જ ડીસા ડેપો દ્વારા તમામ દુકાનોનું ભાડું ચાલુ કરી દેવામં આવ્યું હતું. જે ભાડું દુકાનદારા ચૂકવી નહીં શકતા ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ 8 દુકાનો સીલ કરવામાં આવી છે.
ડેપો મેનેજરે પાઠવી હતી નોટિસ
કોરોના વાઇરસની મહામારીના કારણે તમામ ધંધા-રોજગાર બંધ થયા હતા. જેની સાથે ડીસા ડેપોમાં આવેલી 8 દુકાનો પણ બંધ રહેતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ ડીસા ડેપો દ્વારા લોકડાઉન ખૂલતાની સાથે જ ડીસા ડેપોમાં આવેલી તમામ દુકાનનું ભાડું લેવાનું શરૂ કર્યું હતું. અનલોકના તબક્કાના 5 મહિના સુધી ડીસા ડેપોમાં આવેલી દુકાનદારો દ્વારા 8 લાખ રૂપિયા ભાડું ભરવામાં નહીં આવતાં રવિવારે ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ 8 દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ અગાઉ અનેક વખત ડેપો મેનેજરે નોટિસ પાઠવી હતી.
દુકાનદારો અને રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાર કરાયો હતો
ડીસા ડેપોમાં આવેલી 8 દુકાનોમાં જે તે સમયે નવા બસ સ્ટેન્ડની સ્થાપના કરવામાં આવી, ત્યારે દુકાનદારો અને રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. જે કરાર મુજબ પ્રવાસીઓની અવરજવર પ્રમાણે તમામ દુકાનદારોએ પોતાની દુકાનનું ભાડું ચૂકવવાનું રહેશે. જેથી પ્રવાસીઓની અવર-જવર ઓછી હોવાના કારણે દુકાનદારોને ધંધો થયો નહોતો. આમ છતાં ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ દુકાનદારોને પૂરું ભાડું ચૂકતે કરવા માટે નોટિસો આપવામાં આવી હતી.
દુકાનદારોને મોટું નુકસાન
હાલમાં હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળીનો પર્વ નજીકમાં આવી રહ્યો છે, ત્યારે ડીસા ડેપોમાં ગ્રામીણ વિસ્તારથી લોકોની અવર-જવર વધી છે. જેના કારણે હાલ ડીસા ડેપોમાં લાંબા સમય બાદ પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે, પરંતુ દિવાળીના તહેવારના સમયે ડીસા ડેપો મેનેજરની કડક કાર્યવાહીથી ડેપોમાં આવેલા તમામ દુકાનદારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.