આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદના કારણએ ચોમાસુ પાકમાં મોટું નુકશાન થયું છે. ખેડૂતોએ તેમણે થયેલા નુકશાન અંગે સરકાર સમક્ષ ટેકાના ભાવોની માંગણી કરી હતી. ત્યારે ખેડૂતોની માંગણીને લઈ સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે.પરંતુ સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતો ખૂબ જ ઓછી સંખ્યામાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.
ડીસા પુરવઠા ગોડાઉન ખાતે પણ ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. અગાઉ ખરીદી બંધ કર્યા બાદ સરકાર દ્વારા ફરી ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી હોવા છતાં ખેડૂતો ખૂબ જ ઓછા પ્રમાણમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવી રહ્યા છે. હાલ વાદળ છાયું વાતાવરણ હોવાથી ખેડૂતોની મગફળીમાં ભેજ જોવા મળતા નાફેડના અધિકારી ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી રહ્યા છે. જો સરકાર દ્વારા જે મગફળીમાં માપદંડ કરવામાં આવ્યા છે. તેમાં સુધારા કરવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
ડીસામાં સરકારી ગોડાઉન ખાતે અત્યારે ગુજરાત નાગરિક અન્ન અને પુરવઠા નિગમ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. અહી ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવતા ખેડૂતોના આધાર પુરાવા ચેક કર્યા બાદ મગફળીનું વજન પ્રમાણે ગ્રેડિંગ કરીને મગફળી ખરીદવામાં આવી રહી છે.જ્યારે ખેડૂતની મગફળીમાં 8 ટકા કરતા વધારે ભેજ હોવાથી ખેડૂતની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. સરકાર દ્વારા જે માપદંડ પ્રમાણે અમને ખરીદવાની સૂચના મળેલ છે.તે પ્રમાણે ખરીદી કરવામાં આવી રહી છે.
ખેડૂતોને ચોમાસુ પાકમાં થયેલા નુકશાનમાંથી ઊગારવા માટે ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂ કરી છે. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે શરૂ કરવામાં આવેલી આ ખરીદી ખૂબ જ મોડી શરૂ કરવામાં આવી છે અને ખરીદી મોડી શરૂ થતાં મોટાભાગના ખેડૂતો તેમની મગફળી ખુલ્લા બજારમાં વેચી ચૂક્યા છે. ત્યારે વર્તમાન સમયમાં જૂજ ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો ખેડૂતો માટે નકામા સાબિત થઈ રહ્યા છે..