- બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં વધારો
- પાલનપુર બાદ ડીસા પણ શનિ-રવિ રહેશે બંધ
- જિલ્લામાં વધતા જતા કેસ વચ્ચે વેપારીઓનો મહત્વનો નિર્ણય
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં જિલ્લામાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસ પાલનપુરમાં સામે આવ્યા છે, જેના કારણે પાલનપુરને હોસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 300થી પણ વધુ કોરોના વાઈરસના એક્ટિવ કેસ થયા છે. પાલનપુર અને ડીસામાં રોજ 20 થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. સતત વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલમાં તમામ પ્રકારની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે, ત્યારે આગામી સમયમાં કોરોના વાઈરસના કેસોમાં વધારો ન થાય તે માટે અત્યારથી જ બનાસકાંઠા જિલ્લાના વેપારીઓ દ્વારા મહત્ત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ પાટણમાં વેપારીઓએ સ્વૈચ્છાએ સાંજે પાંચ કલાક બાદ દુકાનો બંધ કરી
વેપારી એસોસિયેશન અને નગરપાલિકાની યોજાઈ હતી બેઠક
પાલનપુર વેપારી એસોસિયેશન અને નગરપાલિકાની ગતરોજ બેઠક યોજાઈ હતી. જેમાં શનિ-રવિ તમામ વેપાર ધંધા બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય લીધો હતો. સતત વધતા જતા કોરોના વાયરસના કેસમાં ઘટાડો થાય તે માટે પાલનપુરના વ્યાપારીઓએ આ નિર્ણય લીધો છે, ત્યારે આજે બુધવારે ડીસામાં પણ વેપારીઓએ શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ડીસાના ધારાસભ્ય અને ડીસા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને ડીસાના તમામ વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ નિર્ણય લેવાયો છે.

બીજા રાઉન્ડમાં કોરોનાના કેસમાં સતત વધારો
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના બીજા રાઉન્ડમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અત્યારથી જ કામે લાગી ગઈ છે અને કોરોના વાઈરસના કેસમાં વધારો ન થાય તે માટે લોકોને સમજણ પણ આપવામાં આવી રહી છે હાલમાં વેપારીઓ સાથે બેઠકો યોજી કોરોના વાઈરસના કેસ માં ઘટાડો કરી શકાય તે માટેનું આયોજન પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને રોકવા આણંદ જિલ્લાના 12 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન
ડીસા વેપારી એસોસિએશને સારો નિર્ણય લીધોઃ ધારાસભ્ય
આ અંગે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ડીસા વેપારી એસોસિએશને સારો નિર્ણય લીધો છે. ડીસા નગરપાલિકા ખાતે વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શનિ અને રવિ તમામ ધંધા-રોજગાર બંધ રહેશે તેવો નિર્ણય વેપારી એસોસિયેશને લીધો છે અને આવનારા સમયમાં કોરોના વાઈરસના કેસને અટકાવવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પણ ફરજિયાત પહેરવો પડશે તેનાથી આવનારા સમયમાં કોરોના વાઈરસના કેસને અટકાવી શકાય.

ડીસામાં કોરોના હોસ્પિટલ શરુ કરવાની કરાઈ માગ
આ અંગે ડીસા વેપારી એસોસિએશનના પ્રમુખ જગદીશ મોદીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ડીસામાં કોરોના વાઈરસના કેસમાં વધારો ન થાય તે માટે આજે નગરપાલિકા ખાતે તમામ વેપારીઓ સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં તમામ ધંધા-રોજગાર શનિ અને રવિ બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે તો બીજી તરફ આગામી સમયમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટે ડીસામાં કોરોના હોસ્પિટલ શરુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.