ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રાફિકનું પ્રમાણ ખૂબ જ વધુ હોવાના લીધે વારંવાર અકસ્માતો સર્જાતા હતા. જેના પગલે ભારત સરકારે ડીસા શહેરમાં ફલાય ઓવર બનાવવા માટે મંજૂરી આપી દીધી હતી. સરકારની મંજૂરી મળતા યુધ્ધના ધોરણે ડીસામાં ફલાયઓવરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવેને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાઇવેની બાજુમાંથી પસાર થતાં સર્વિસ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
પરંતુ આ સર્વિસ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવામાં ન આવ્યા હોવાના લીધે અહીથી પસાર થતાં વાહનો સર્વિસ રોડ પર પુરપાટ ઝડપે દોડી રહ્યા છે અને ગમે ત્યારે મોટી હોનારતને સર્જાઇ શકે છે. કારણ કે આ માર્ગ શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને અહીંથી શાળાના બાળકો સહિત શહેરીજનો પણ મોટી સંખ્યામાં પસાર થાય છે. જેથી પુરપાટ ઝડપે દોડતા વાહન ચાલકો આ રાહદારીઓનો ભોગ લે તે પહેલા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોકો માંગ કરવામાં આવી છે.