બનાસકાંઠા : અમીરગઢ પંથકમાં ખુણીયા ગામ નજીક આવેલા કાળા ડુંગર તરીકે ઓળખાતા ડુંગરના પથ્થરોમા ઝાલર અને ઘંટ જેવા અવાજ સંભાળાય છે. અમીરગઢ તાલુકાના કાળા ડૂંગર વિસ્તારમાં આવા અનેક અનોખા પથ્થર જોવા મળી રહ્યા છે. જેના પર બીજા પથ્થર વડે મારવાથી ઝાલર અને ઘંટ જેવા અવાજ સંભળાય છે. ત્યારે પથ્થરોમાંથી કેમ આવો અવાજ આવે છે ? આની પાછળ કુદરતી ઘટના છે કે, કોઈ વૈજ્ઞાનિક કારણ જેવા અનેક સવાલો લોકોમાં હજુ પણ અકબંધ છે.
લોકવાયકા મુજબ આ ડુંગર વર્ષો જુનો અને આ ચંદ્રાવતી નગરીનો એક ભાગ માનવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે, આ ડુંગર ઉપર ઘણા સાધુ સંતો તપ કરી ચૂક્યા છે. અત્યારે પણ ડુંગર ઉપર સાધુ સંતોની ધુણી હયાત છે. આશ્ચર્યની વાત છે કે, આ ડુંગર છુટા છવાયા પથ્થરોથી બનેલ હોય તેમ દેખાય છે. તેમજ દુષ્કાળની પરિસ્થિતિમાં પણ પાણી વગર લીમડાના ઝાડ લીલાંછમ જોવા મળે છે. ડુંગરની નીચે આવેલી ગુફાનું રહસ્ય પણ હજુ અકબંધ છે. કહેવાય છે કે, ગુફામાં પશુ અંદર જતાં બહાર આવતા નથી. ત્યારે સમગ્ર પંથકના લોકો આ ડુંગરને ચમત્કારી ડુંગર માની રહ્યા છે.