બનાસકાંઠા: પાલનપુરમાં આરટીઓ સર્કલ પર નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા નીચે ઊભેલાં રિક્ષા અને ટ્રેક્ટર દબાઈ ગયાં હતાં. જેમાં રિક્ષાચાલકનું મોત થયું હતું.
બે યુવકોના ઘટનાસ્થળે મોત: પાલનપુરમાં જૂના આરટીઓ સર્કલ પાસે છેલ્લા કેટલાક સમયથી GPC ઇન્ફ્રાસ્ટક્ચર નામની એજન્સી એલિમિટેડ બ્રિજનું કામ કરી રહી છે. બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન આ કંપનીની ગંભીર બેદરકારીને કારણે બ્રિજ નીચે રિક્ષામાં બેઠેલા એક જ વિસ્તારના બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા બનાસકાંઠા જિલ્લા પોલીસ તેમજ જિલ્લા કલેકટર, નગરપાલિકા ટીમ આરોગ્યની ટીમ તમામ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી ચાલુ કરી હતી.
કંપનીની ગંભીર બેદરકારી: મહત્વની વાત છે કે પાલનપુરમાં આ કંપની દ્વારા છેલ્લા દોઢથી બે વર્ષથી આ એલિવેટેડ બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અવારનવાર તેની ગંભીર બેદરકારીઓ સામે આવતી હતી ત્યારે અગાઉ પણ મીડિયા દ્વારા અનેક અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા કે આ કંપનીમાં કામ કરતા કેટલાક લોકો સેફટીના સાધનોનો ઉપયોગ કર્યા વિના જ કામ કરતા હતા તેમજ નીચેથી વાહનો પસાર થતા હતા. એવા સમયમાં પણ આ બ્રિજનું કામ ચાલુ હતું તેમ છતાં પણ આ કંપની દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં ન આવ્યા અને આખરે બે યુવકોનો ભોગ લેવાયો.
'અમારો દીકરો રિક્ષા લઈને ગયો હતો ત્યારે બ્રિજ નીચે બેઠો હતો. ત્યારે એકાએક બ્રિજ પડ્યો અને ત્યાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે. ત્યારે જે તે કંપની કામ કરે છે તેને એ કામનો જેટલો વિસ્તાર છે ત્યાં કોઈની અવરજવર કરવા દેવી જોઈએ નહીં અને ત્યાં સખત પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. પરંતુ આ કંપની દ્વારા આવું કંઈ કરવામાં નથી આવ્યું. જેના કારણે અમારા દીકરાનું આજે મોત થયું છે જે તે કંપની અને જે પણ કોન્ટ્રાક્ટર હોય તેમની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ અને અમને અમારા દીકરાનો જીવ પાછો જોઈએ.' - મૃતકના પરિજન
'જૂના આરટીઓ સર્કલ પાસે એલિવેટેડ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ઉપરથી એકાએક બ્રિજમાંથી સ્લેબ ધરાસાઈ થયો. જેમાં રીક્ષામાં નીચે બેઠેલા યુવકોનું મોત થયું છે. હાલ ગાંધીનગરથી ટીમ આવી રહી છે અને તેની તપાસ બાદ જ ખ્યાલ આવશે કે બ્રિજ કેવી રીતે ધરાશાયી થયો છે. બ્રિજ ધરાશાહી થવા પાછળનું મુખ્ય કારણ શું છે.' - અરુણ બરણવાલે, બનાસકાંઠા જિલ્લા કલેકટર
CMએ આપ્યા તપાસના આદેશ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે ૫૮ પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે. મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનાના પ્રાથમિક કારણો જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર પહોંચવાના આદેશો કર્યા છે. આ અધિક્ષક ઇજનેરશ્રીઓ પાલનપુર જવા રવાના થયા છે અને સ્થળ તપાસ કરીને દુર્ઘટનાના પ્રાથમિક કારણો તાત્કાલિક રાજ્ય સરકારને જણાવશે.