- ડીસા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખે ચાર્જ સાંભળ્યો
- પાલિકા પ્રમુખે તમામ કર્મચારીઓનો પગારની ચૂકવણી કરી
- જાન્યુઆરી મહિનાથી બાકી 95 લાખ રૂપિયા ચૂકવાયા
- પગાર મળતાં કર્મચારીઓમાં ખુશીનો માહોલ
- ડીસા નગરપાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ડંકો વગાડયો છે. ત્રણેય પાલિકા પર બહુમતી મેળવ્યાં બાદ ડીસા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ડીસા નગરપાલિકાની વાત કરવામાં આવે તો હંમેશા વિવાદમાં રહેતી ડીસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ થઈ છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજુભાઈ બુલચંદભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ તરીકે સવિતાબેન જીગ્નેશભાઈ હરિયાળીની બિનહરીફ વરણી થતા ભાજપના ખેમામાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે. ડીસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતાંની સાથે જ ભાજપના તમામ સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. સાથે જ સ્થાનિક લોકોએ ડીસા નગરનો વિકાસ વધે તે માટે પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવી હતી.
ડીસા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખે ચાર્જ સંભાળતા જ વિકાસના કામ શરૂ
ડીસા નગરપાલિકામાં ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ નગરપાલિકામાં 27 સભ્યો સાથે ભાજપના પ્રમુખની વરણી કરવામાં આવી હતી. બીજી તરફ ભાજપની સર્વાનુમતે બહુમતી હોવાના કારણે અન્ય પક્ષોએ પણ ડીસાના વિકાસ માટે ટેકો આપ્યો હતો. આ ગત પાંચ વર્ષના શાસનમાં વિકાસના અનેક કામો થયા હતાં અને બાકીના વિકાસના કામો પૂર્ણ કરવા માટે ભાજપના ચૂંટાયેલા સભ્યો અને પ્રમુખે બાંહેધરી આપી છે. ડીસા નગરપાલિકામાં ભાજપના રાજુભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ સવિતાબેને ચાર્જ સંભાળતાની સાથે જ ડીસા શહેરમાં ખુશીનો માહોલ છવાયો હતો તો આ તરફ પ્રમુખ અને ઉપપ્રમુખે પણ ડીસાનો વિકાસ વધુ વેગવંતો બનશે તેવી તમામ લોકોને બાંહેધરી આપી હતી.
આ પણ વાંચોઃ ડીસાના જલારામ બંગ્લોઝ ખાતે ગંદુ પાણી ભરાતા લોકોમાં ભારે મુશ્કેલી
પાલિકા પ્રમુખે તમામ કર્મચારીઓના પગારની ચૂકવણી કરી
ડીસા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ પ્રથમ દિવસથી જ કામે લાગી ગયાં છે. નગરપાલિકાના કાયમી અને મસ્ટર પરના કર્મચારીઓનો જાન્યુઆરી માસનો 95 લાખ ઉપરાંતનો પગાર ચૂકવવામાં આવ્યો હતો. નગરપાલિકાના કાયમી અને મસ્ટરના કર્મચારીઓનો જાન્યુઆરી માસનો બાકી રહેલો પગાર ચૂકવવામાં આવ્યો તેમાં 60 લાખ રૂપિયા કાયમી કર્મચારીઓ 30 લાખ રૂપિયા મસ્ટર પરના કર્મચારીઓ અને 4.50 લાખ રૂપિયા ફિક્સ પગારદારને મળી કુલ 94.50 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર,કારોબારી ચેરમેન જિજ્ઞેશ જોશી, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે પાલિકા પ્રમુખે પાણી પુરવઠાના સ્ટાફ સાથે બેઠક યોજી શહેરમાં નિયમિત પાણી પુરવઠો મળી રહે તે બાબતે સૂચના આપી હતી.
આ પણ વાંચોઃ ડીસામાં ખોદકામ દરમિયાન પાણીની પાઇપ લાઈન તૂટી જતાં હજારો લીટર પાણી રોડ પર વેડફાયું