- બનાસકાંઠા જિલ્લામાં રાજ્યના ગ્રામ્ય વિકાસ કમિશ્નરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- જુનાડીસા ગામ પાસે ગ્રામ્ય વિકાસ કમિશ્નર વિજય નહેરાને નડ્યો અકસ્માત
- અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં
બનાસકાંઠઃ રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઈરસના કેસ નોંધાઈ રહ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ બની છે અને કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે અંતર્ગત આજે ગુરુવારે ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિકાસ કમિશ્નર અને બનાસકાંઠા જિલ્લાના સરકારી તંત્ર દ્વારા કોરોના વાઈરસની મહામારીને અટકાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ડીસાના આખોલ ચાર રસ્તા પાસે 2 ટ્રેઈલર વચ્ચે અકસ્માત, એકનું મોત
ગ્રામ્ય વિકાસ કમિશ્નર બનાસકાંઠાની મુલાકાતે આવ્યાં હતા
બનાસકાંઠા કોરોના પ્રભારી અને ગ્રામ્ય વિકાસ કમિશ્નર વિજય નહેરા આજે ગુરુવારે બનાસકાંઠાની મુલાકાતે આવ્યાં હતા અને જિલ્લા કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે બેઠક કરી કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓ પાલનપુરથી ડીસા થઈ પાટણ જવા રવાના થયા હતા. ડીસાથી પાટણ જતા હતા તે દરમિયાન જુનાડીસા પાસે ટ્રેકટર ચાલકે ગાડીના સાઈડના ભાગે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માતમાં વિજય નહેરા અને ગાડી ચાલકનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ વાવ થરાદ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત
ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ
આ અકસ્માતમાં કમિશ્નરની ગાડીને નુકસાન થયું હતું. જોકે, તે સમયે પોલીસ પાયલોટીંગ હોવાના કારણે તેઓ દોડી આવ્યાં હતા. આ બનાવને પગલે ડીસા નાયબ કલેકટર ,મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને અન્ય ગાડીની વ્યવસ્થા કરી કમિશ્નર વિજય નહેરાને રવાના કર્યા હતા. જ્યારે ગાડી અને ટ્રેકટર પોલીસ મથકે લાવી ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
