બનાસકાંઠા: ડીસામાં નાયક કલેક્ટર કચેરી ખાતે વાવાઝોડાથી થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નાયબ કલેક્ટર નેહા પંચાલ, શહેર મામલતદાર એસ ડી બોડાણા, ગ્રામ્ય મામલતદાર ડો.કિસનદાન ગઢવી અને તાલુકા પંચાયત અને યુજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ તમામ અધિકારીઓ પાસેથી વાવાઝોડા અને વરસાદથી થયેલ નુકસાનીની વિગતો મેળવી હતી.
વાવાઝોડાથી થયેલના નુકસાનના વળતરની માગ: હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ડીસા તાલુકામાં પણ ભારે વાવાઝોડાના કારણે અનેક ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. અગાઉ પણ વારંવાર કુદરતી આફતોના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ત્યારે ફરી ભારે વાવાઝોડાના કારણે થયેલ નુકસાન બાબતે તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવામાં આવે તેવી સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
સિંગલ વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા: યુજીવીસીએલને અધિકારીઓને તમામ ગ્રામીણ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ક્ષતિગ્રસ્ત થયેલા વિજ થાંભલાઓ ઊભા કરી લાઈનો ખેંચી વીજ પુરવઠો શરૂ કરવા માટે જણાવ્યું હતું. મામલતદાર અને ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓને પણ નુકસાનગ્રસ્ત વિસ્તારનો તાત્કાલિક સર્વે કરાવી સહાયના દાયરામાં આવતા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. તેમજ નુકસાન માટેના સર્વેની કામગીરી માટે પણ સિંગલ વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવા માટે સૂચના આપી હતી આ સિવાય નુકસાનીના સર્વેમાં માનવતાના ધોરણે કામ કરવા માટે અને વધુમાં વધુ અસરગ્રસ્ત લોકોને સહાય મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
'જે વાવાઝોડું આવ્યું છે તેમાં અમારી ઘરવખરી સહિત અન્ય માલ સામાન બગડી ગયો છે અને તૂટી ગયો છે. તેથી સરકાર દ્વારા સત્વરે સર્વે કરી અમને યોગ્ય સહાય આપવામાં આવે તેથી અમે પગભર થઈ શકીએ.' -ડીસા તાલુકાના ખેડૂતો
ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે વાવાઝોડું આવ્યું અને નુકસાન થયું તેના સર્વે માટે આજે ડીસા પ્રાંત કચેરી ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓ અને ડીસા શહેરી અને ગ્રામ્ય મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સાથે આજે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જે વિસ્તારમાં નુકસાન થયું છે તેનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવે જેથી સરકાર જ્યારે સહાય જાહેર કરે ત્યારે જે લોકોને નુકસાન થયું છે તેમાં સહાય અપાવી શકાય.