બનાસકાંઠા: છેલ્લાં ઘણા સમયથી ખેડૂતોને પાકમાં થઈ રહેલા નુકસાનના કારણે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી પશુદાનમાં ભાવમાં વધારો અને સામે દૂધના ભાવ ઓછા મળતા પશુપાલકો કંટાળી ગયા હતા, ત્યારે આજે સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવેલી જાહેરાતથી ખેડૂતો અને પશુપાલકોને ફાયદો થશે.
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં પશુપાલકો માટે આજે ખુશીના સમાચાર છે. કારણ કે ગુજરાત સરકારે આજે રજૂ કરેલા બજેટમાં પશુપાલકો માટે અતિ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં પશુ ના વિયાણ દરમિયાન એટલે કે એક ગાય અથવા ભેંસને સરકાર વિયાણ દરમિયાન 150 કિલો પશુદાણમાં 50 ટકાની સીધી રાહત આપવાની જાહેરાત કરી છે. જેના કારણે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના લાખો પશુપાલકોને તેનો સીધો લાભ મળશે સરકારની આ જાહેરાત થઈ પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે થરાદથી સિપુ સુધી પાઇપલાઇન નાખવા માટે પણ 225 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેના કારણે ડીસા, થરાદ, લાખણી અને દાંતીવાડા તાલુકાની છ હજાર હેક્ટર જમીનને સીધો લાભ મળશે, આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકારે પાઇપલાઇન નાખવાની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે રજૂ થયેલા બજેટથી હાલ તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે અને ગુજરાત સરકાર દર બજેટની જેમ ખેડૂત અને પશુપાલકો વિશે જે વિચાર કરવાના આવ્યો છે, તેનાથી ખેતીના પાક અને પશુપાલનમાં મોટા ભાગે વધારો થશે.