બનાસકાંઠા : રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં સારા રસ્તા, લાઈટ અને પાણીની સુવિધા લોકોને મળી રહે તે માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના એવા અનેક શહેરી વિસ્તારો છે કે, જ્યાં લોકો ખરાબ રસ્તાઓથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
બિસ્માર રસ્તા : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ તાલુકામાં દર વર્ષે સરકાર દ્વારા સરહદી વિસ્તારના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટ જાણે કે વિકાસના કામોમાં વપરાતી જ ન હોય તેવું થરાદ નેશનલ હાઇવેના દ્રશ્યો જોઈને સાબિત થઈ રહ્યું છે. વાત છે થરાદ સાંચોર હાઇવે પર પસાર થતા ફોરલાઈન રસ્તાની. થરાદ સાંચોર હાઇવે પર રોજના હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. જેના કારણે આ રોડ બિસ્માર થઈ ગયો હતો. જેના કારણે આ રસ્તાનું નવીનીકરણ કામ શરૂ થયું હતું. છેલ્લા ઘણા સમયથી થરાદ સાંચોર હાઇવે પર નવા રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે. પરંતુ આ રસ્તાનું કામકાજ ધીમી ગતિએ થતું હોવાના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને શાળાએ જતા બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
છેલ્લા દોઢ-બે વર્ષથી આવી જ પરિસ્થિતિમાં આ રોડ છે. રોડ ખરાબ હોવાને કારણે અનેકવાર અકસ્માત થાય છે. વાહનચાલકો અને રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે. તેથી અમારી નમ્ર વિનંતી છે કે, તંત્ર દ્વારા સત્વરે આ રોડનું કામ પૂરું કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી ન પડે.-- દશરથભાઈ શ્રીમાળી (સ્થાનિક)
સ્થાનિક સમસ્યા : થરાદ માર્કેટ યાર્ડથી શરૂ થયેલા ચાર કિલોમીટરનો નવો રસ્તો દૂધ શીત કેન્દ્ર સુધી બની રહ્યો છે. જે રસ્તાનું કામકાજ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું છે. પરંતુ રોડનું કામકાજ ધીમી ગતિએ ચાલતું હોવાના કારણે અહીં અવરજવર કરતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ રસ્તાનું કામકાજ થરાદના મુખ્ય બજારથી શરૂ થયું છે. જેના કારણે અહીં આજુબાજુ ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોડના કામકાજ દરમિયાન જે રેતી ઉડી રહી છે તેનાથી ધંધા રોજગાર પર જતા લોકો પરેશાન થઈ રહ્યા છે.
અકસ્માતનો ભય : બીજી તરફ રોડના કામકાજને કારણે વારંવાર નેશનલ હાઈવે પર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે. આ તરફ માર્કેટ યાર્ડ પાસે ચાલતા રોડના કામકાજને કારણે શાળાના વિદ્યાર્થીઓ પણ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. કારણ કે રોડના કામકાજને લઈ વિદ્યાર્થીઓને ટ્રાફિકમાંથી પસાર થવું પડે છે.
લોકોની માંગ : આ તમામ પરિસ્થિતિ વચ્ચે હાલ તો થરાદના લોકો રોડના ધીમા કામકાજને લઈ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ રોડનું કામકાજ તાત્કાલિક પૂર્ણ કરવા માટે થરાદ નાયબ કલેકટર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી છે. હાલ તો અહીંના સ્થાનિક લોકોની એક જ માંગ છે કે, તાત્કાલિક ધોરણે આ રોડનું કામકાજ પૂર્ણ કરવામાં આવે. જેથી વારંવાર સર્જાતી સમસ્યાઓ અને અકસ્માત નિવારી શકાય.
જવાબદાર કંપનીને નોટિસ : આ બાબતે ETV BHARAT ટીમ દ્વારા પ્રાંત અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું કે થરાદમાંથી પસાર થતો વાવ સાંચોર નેશનલ હાઇવે પર કામકાજ ચાલુ છે. જેમાં વાવ જવાના રોડ પર આવેલ નર્મદા કેનાલ પાસે શિત કેન્દ્રથી લઈ થરાદ ચાર રસ્તાથી સાંચોર જવાના રસ્તા પર નગરપાલીકાની પાણીની ઓવરહેડ ટાંકી સુધી ફોર લેન બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રોડની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. તેથી આ રોડ બનાવતી કંપનીઓને અમારા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે.
- Banaskantha Local Issue : સરકારી સુવિધાનો લાભ લેવો કેમ અઘરો ? ડીસાના ખેડૂતોમાં રોષ
- Banaskantha News : બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા ડેમનું પાણી છોડવામાં આવ્યું, જિલ્લામાં ખુશીની લહેર