બનાસકાંઠા: કચ્છ જિલ્લાના રાપરમાં તારીખ 25 સપ્ટેમ્બરના રોજ ધોળા દિવસે અને ભરી બજારમાં ઇન્ડિયન લોયર પ્રોફેશનલ એસોસિએશન ગુજરાતના પ્રભારી એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી અસામાજિક તત્ત્વો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનાને કારણે ભારત દેશમાં વસતા બહુજન સમાજ અને વકીલ આલમમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ બાબતે રાપર ગામે થયેલી હત્યામાં મૃત્યુ પામનારા દેવજીભાઈની પત્નીએ પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ કરી હતી. આમ છતા હજૂ સુધી 9માંથી ફક્ત 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 5 આરોપીઓ અને હત્યાનું ષડયંત્ર રચનારા મુખ્ય આરોપી પોલીસે ઝડપી પાડવામાં નિષ્ફળ રહી છે.
આ અંતર્ગત સમગ્ર ભારતભરમાં બહુજન સમાજ દ્વારા દેવજીભાઈની પત્નીને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બહુજન સમાજ દ્વારા સોમવારે તમામ તાલુકાઓમાં ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. તાત્કાલિક ધોરણે આરોપીને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. ત્યારે આગામી 24 કલાકમાં જો આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.