બનાસકાંઠા: જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે અનેક ગામોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે અનેક ગામોમાં વરસાદી પાણી પ્રવેશ્યા હતા.જેના કારણે અનેક ગામોમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશતા ભારે નુકસાન બેઠવું પડ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ડેડાવા ગામમાં પણ ભારે વરસાદના પગલે પરિસ્થિતિ બેકાબું બની હતી. શરૂઆતમાં જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે આખું ગામ પાણીમાં ફેરવાઈ ગયું હતું. જે બાદ વરસાદ બંધ થતા વહીવટી તંત્ર પણ આ ગામની મુલાકાતે પહોંચ્યું હતું. માત્ર આશ્વાસન પૂરતું ગામના લોકોને પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
પાણીથી તરબોળ: વરસાદ બંધ થયા ને અનેક દિવસ વીતી ગયા હોવા છતાં પણ હજુ પણ ડેડાવા ગામ આખું પાણીમાં જોવા મળી રહ્યું છે. મહત્વની વાત છે કે આ ગામમાં આવેલી દૂધ ડેરીમાં પાણી ભરાઈ જતા હાલમાં 800 પશુપાલકો પાણીમાંથી દૂધ ભરાવવા મજબુર બન્યા છે. તો બીજી તરફ ગ્રામ પંચાયત પણ બંધ છે જેના કારણે હાલમાં ખેડૂતોના અનેક કામો બંધ થઈ ગયા છે. ગામમાં હાલ પણ આંગણવાડી આરોગ્ય કેન્દ્ર જેવા સરકારી મકાનો પણ હાલ પૂરેપૂરા પાણીથી તરબોળ છે.
હાલાકીનો સામનો: જેના કારણે હાલમાં આ તમામ સરકારી મકાનો બંધ રહેતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ અન્ય ગામોમાં વરસાદી પાણી નીકળી જતા શાળાઓ શરૂ થઈ છે. પરંતુ આ ગામમાં શાળાના જવાના રસ્તા પર અને શાળામાં જ હજુ સુધી પાણી ભરાયેલું હોવાના કારણે અહીં શાળા બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ સતત બગડી રહ્યો છે. ત્યારે હાલ તો આ ગામમાં શાળામાં વરસાદી પાણી ભરાયેલું હોવાના કારણે બાળકોને અન્ય ગામમાં અભ્યાસ કરાવવા માટે શિક્ષકોને મજબૂર બનવું પડ્યું છે.
પાણીમાંથી દુર્ગંધ: ખાસ કરીને જે છ દિવસ જેટલો વરસાદને સમય થયો તે તમામ પાણી હાલ ગામમાં ભરાયેલું જોવા મળી રહ્યું છે અને આ પાણી હાલમાં દુર્ગંધ મારી રહ્યું છે. જેના કારણે આ ગામના લોકોને રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. તો બીજી તરફ ગામમાં પીવાના પાણીની પાઇપ લાઇન પણ હાલમાં લીકેજ થઈ ગઈ છે. જેના કારણે આ ગામમાં હાલ લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગામમાં પાણીના નિકાલ માટેની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.
પાણી ઓસર્યા નથી: આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડેડાવા ગામના લોકોએ જણાવ્યું હતું કે અમારા ગામમાં વરસાદ જતો રહ્યો અને વાવાઝોડું પણ જતું રહ્યું પરંતુ અમારા ગામમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી અમારા ઘરોમાં હજી સુધી પાણી ભરેલા છે સ્કૂલમાં પાણી ભરાયેલા છે ગામ પંચાયતમાં પાણી ભરેલા છે ડેરીમાં પણ પાણી ભરાયેલા છે જેથી અમને અહીં ખૂબ મુશ્કેલી પડે છે અને આ પ્રશ્ન વર્ષોથી છે જેથી તેનો નિરાકરણ આવે તેવી અમારી માંગ છે જે પીવાના પાણીનું કનેક્શન હતું તે આ ગંદા પાણીમાં મિક્સ થયું છે.
પરિસ્થિતિ ખૂબ ખરાબ: જેના કારણે દરેકના ઘરે પણ ગંદુ પાણી આવે છે જેના કારણે ગામમાં મોટાભાગના લોકોને ખંજવાળ પણ આવે છે અને મોટી બીમારી થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. અમારા ગામમાં કેટલાક દિવસથી ગ્રામ પંચાયતમાં પણ પાણી ભરેલું છે. તેથી કોઈ કામ અર્થે જવું હોય તો કઈ રીતે જવું ડેરીમાં પણ પાણી ભરેલું છે. જેથી દૂધ ભરાવવા પણ કઈ રીતે જવું એ પણ મોટો પ્રશ્ન છે. સ્કૂલમાં પણ પાણી ભરાયેલા છે એટલે અમારે બાળ બચ્ચાઓ પણ ભણવા કેવી રીતે જાય એટલે અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે.