બનાસકાંઠા : જિલ્લાના દિયોદર પોલીસને ચોરીના ગુનામાં સફળતા મળી છે. કોરોના વાઇરસને લઈ દિયોદર પોલીસ હાઇવે વિસ્તાર પર બંદોબસ્તમાં હતી, જેમાં શિહોરી તરફથી એક યુવક નંબર વગરનું બાઈક લઈ આવતા તેને રોકી પૂછપરછ કરી હતી. જેમાં યુવકે યોગ્ય જવાબ ન આપતા યુવકને ઝડપી પોલીસ મથક લઇ આવી આગળની તપાસ કરાઈ હતી. યુવક વાવ તાલુકાના ઉમેદપુરાનો પેથા જગા દેસાઈ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં બાઈક થરાદથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસને યુવક પાસેથી ૬૫,૫૦૦ રૂપિયા રોકડા મળ્યા હતા. આ રૂપિયા ક્યાંથી આવ્યો તે અંગે પૂછતા કહ્યું કે, વાવના વાવડી ગામે એક દિવસ અગાઉ કોરોના વાઇરસ લૉકડાઉનનું બહાનું બતાવી અમદાવાદથી ચાલતો આવ્યો હોવાનું કહી એક બ્રાહ્મણના ઘરે રોકાણ કર્યું હતું. પરિવાર સુઈ ગયા બાદ ઘરમાંથી ૬૫,૫૦૦ રૂપિયાની ચોરી કરી હતી અને પલાયન થઇ ગયો હતો.

આ અંગે વાવ પોલીસ મથક ખાતે પણ ફરિયાદ નોધાઇ છે, તેની કબૂલાત કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આ ઇસમ અગાઉ પણ અનેક ચોરીને અંજામ આપતો હતો. પાલનપુર સબ જેલમાં હતો અને ૩૧ માર્ચના રોજ પેરોલ પર છૂટ્યા બાદ ફરી ચોરીને અંજામ આપ્યો હતો. હાલ આ ઇસમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.