આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયા ડીસામાં પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા. જ્યાં ડીસા ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ અન્ય સંગઠનના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને જે બાદ વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.
હાલમાં દેશમાં ચાલી રહેલા અનેક મુદ્દાઓને લઇ પ્રવીણ તોગડીયા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. ખાસ કરીને હાલમાં ચાલી રહેલા નાગરિકતા બિલના મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
ત્યારે સરકારના આ નિર્ણયને પ્રવીણ તોગડિયાએ વધાવી લીધું હતું અને જણાવ્યું હતું કે, આઝાદી સમયે ભારત દેશ અને પાકિસ્તાન વચ્ચે પરસ્પર હિન્દુ મુસ્લિમને પોતાના દેશમાં સાચવવા માટેના કરાર થયા હતા. પરંતુ આજે બન્ને દેશમાં સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે.
ભારત દેશમાં મુસ્લિમ સમાજની દિવસે દિવસે સંખ્યા વધી રહી છે અને બીજી તરફ પાકિસ્તાનમાં હિંદુઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે ભારત દેશ તાત્કાલિક ધોરણે પાકિસ્તાનના ભાગલા પાડી અને પાકિસ્તાનમાં વસતા ભારતીયોને ભાગ આપાવવા માટેની કામગીરી કરવી જોઈએ.
બીજી તરફ સતત ભારત દેશમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા બનાવો બનતા અટકે તે માટે તમામ તાલુકાઓમાં મહિલા ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવાની પ્રવીણ તોગડિયાએ જાહેરાત કરી હતી. જેના કારણે મહદંશે મહિલા ઉપરના અત્યાચારો ઘટાડી શકાય. હાલમાં ખેડૂતો સૌથી વધારે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે. જેના કારણે લોકોને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂત રાસાયણિક ખાતરથી દૂર રહી અને સારી ખેતી કરે તે માટે ફ્રીમાં પ્રવીણ તોગડિયાએ ઓર્ગેનીક ખાતર આપવાની જાહેરાત કરી હતી.