બનાસકાંઠા જિલ્લામાં શનિવારે સાંજથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના 14 તાલુકા પૈકી થરાદ, વાવ, લાખણી અને ડીસામાં 1 થી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. કેટલાક ખેતરોમાં પાક લણણી પડેલો હતો. જ્યારે કેટલાક ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું હતું. 'મહા' સાઈકલોનના કારણે આવેલા આકસ્મિક વરસાદથી જગતના તાત ની ચિંતા વધી છે. ડીસા બટાકાનું હબ છે. જ્યારે આ વર્ષે બટાકાના વાવેતરને હજુ ગણતરીના દિવસો નથી થયા, ત્યાં થયેલા વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકશાન થવાનો ભય છે. આકસ્મિક વરસાદના કારણે ખેડૂતોના માથે આફતના વાદળો ઘેરાયા છે.
'મહા' સાઈકલોનની અસરના કારણે સૌથી વધુ વરસાદ સરહદી વિસ્તાર વાવ અને થરાદમાં થયો છે. જેના કારણે આ વિસ્તારના લોકોને મોટું નુકશાન વેઠવું પડી રહ્યું છે. કપાસ, મગફળી અને દિવેલાના પાકને આ કમોસમી વરસાદના કારણે નુકશાન થયું છે. કમોસમી વરસાદના પગલે થયેલા નુકશાનને લઈ વહીવટી તંત્ર દોડતું થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી એ આજે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ ખેડૂતોના પાકને થયેલા નુકશાન મામલે જાત તપાસ કરી હતી. જ્યારે ગ્રામસેવકોને વરસાદના કારણે થયેલા નુકશાન મામલે સર્વે હાથ ધરવા માટે સૂચના આપી છે.
જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકશાન છે. અનેક લોકોએ વીમા પ્રીમિયમ પેટે નાણાં પણ ભર્યા છે, ત્યારે પાક નુકશાની બાબતે ખેડૂતોને કોઈ રાહત થાય છે કે કેમ અને ખેડૂતોને નુકશાનનું વળતર મળે છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે.