બનાસકાંઠાઃ જિલ્લામાં બુટલેગરોને જાણે કોરોના વાઇરસમાં પોલીસનો ડર ના હોય તેમ મોટા પ્રમાણમાં દારૂ જિલ્લામાં લાવવામાં આવી રહ્યોં છે, ત્યારે ગુરુવારે જિલ્લાના ભીલડી પાસેથી પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો.
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની નજીક આવેલો હોવાથી મોટાભાગે બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરી જિલ્લામાં દારૂ ઘુસાડી રહ્યાં છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે ત્યારે બુટલેગરોને જાણે કોરોના મહામારીમાં પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ મોટા પ્રમાણમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં પોલીસે બાતમીના આધારે અનેક દારૂની ગાડીઓ સાથે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે, ત્યારે હાલમાં પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજ્યમાં મોટાભાગે વિદેશી દારૂ રાજસ્થાનમાંથી લાવવામાં આવે છે. દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં વેચાય છે. ત્યારે ગુરુવારે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલી ગાડી બનાસકાંઠા તરફ આવી રહી છે તેવી બાતમી મળતા જિલ્લાની LCB પોલીસે ભીલડી પાસે વોચ ગોઠવી હતી પરંતુ બુટલેગરને પોલીસેવોચ ગોઠવી છે તેવી જાણ થતાં જ તેઓ ફરાર થઇ રહ્યાં હતા પરંતુ પોલીસે દારૂની ગાડીનો પીછો કરી ગાડીને રોકી હતી. જ્યાં ગાડીની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે હાલ આરોપી ભરત રબારી અને છગન રબારી સહિત 1,84,920 રૂપિયાના મુદ્દામાલ સાથે બન્ને આરોપીને જેલ હવાલે કર્યા છે.