- પાલનપુરમાં કોરોના વાઇરસના કેસમાં વધારો
- પાલનપુરમાં મીની લોકડાઉન વચ્ચે શોપિંગ મોલ ચાલુ
- પોલીસે મોલ બંધ કરાવી ત્રણ લોકોની કરી અટકાયત
- પાલનપુરમાં મીની લોકડાઉન વચ્ચે પણ અનેક વેપારીઓએ વેપાર-ધંધા કર્યા શરૂ
બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોના વાઇરસના કેસ પાલનપુર અને ડીસામાં સામે આવ્યા છે. સતત વધતા જતા કોરોના વાઇરસના કેસ ના કારણે હાલ આ બન્ને તાલુકાઓને હોસપોટ જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કેસ પાલનપુરમાં રોજના 100થી પણ વધુ કોરોના પોઝિટિવ એક્ટિવ થઈ રહ્યા છે. જેના કારણે પાલનપુરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. જેના કારણે હાલ દર્દીઓને સમયસર સારવાર પણ નથી મળી રહી. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે હાલમાં પરિસ્થિતિ પાલનપુરમાં બેકાબૂ બની છે ત્યારે આ સમયે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા પાલનપુરમાં મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે તમામ વેપાર-ધંધા હાલમાં બંધ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં મીની લોકડાઉનમાં નિયમોનું ચુસ્ત પાલન કરવવા પોલીસ પેટ્રોલિંગ કરાયું
વેપાર-ધંધા બંધ રાખવા કડક સૂચના અપાઇ
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની રાફડો ફાટયો છે જેમાં ખાસ કરીને પાલનપુર શહેર અત્યારે હોટ સ્પોટ વિસ્તાર બની ગયું છે અને રોજેરોજ 80થી 100 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ માત્ર પાલનપુરમાં જ નોંધાઈ રહ્યા છે. તેવામાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા જિલ્લા કલેક્ટર દ્વારા આગામી પાંચ તારીખ સુધી મીનીલોકડાઉન જાહેર કરાયું છે અને તમામ વેપાર-ધંધા બંધ રાખવા કડક સૂચના આપવામાં આવી છે.
ઓસીયા શોપિંગ મોલના સંચાલકો જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી વેપાર કરતા હતા
તેમ છતાં પણ હાઈવે પર આવેલી ઓસીયા શોપિંગ મોલના સંચાલકો જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી વેપાર કરી રહ્યા હતા. જે બાબત ધ્યાને આવતા જ પાલનપુર પોલીસ તાત્કાલિક મોલ ખાતે પહોંચી હતી. જ્યાં અનેક ગ્રાહકો ખરીદી કરતા હોવાનું જણાતાં તરત જ મોલને બંધ કરાવ્યો હતો અને મેનેજર સહિત ત્રણ લોકોની અટકાયત કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે મોલના મેનેજરને પૂછતા તેને લોકડાઉન અંગે કંઈ જ ખબર ન હોવાનું જણાવી બચવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢની દાણાપીઠ બજારમાં ફરી જાહેર કરાયું 66 કલાકનું લોકડાઉન
તમામ વેપારીઓએ સ્વેચ્છિક વેપાર-ધંધા બંધ કરવાનો નિર્ણય લીધો હતો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સતત કોરોના વાઇરસના કેસમાં વધારો થતાં તમામ વેપારીઓએ સ્વેચ્છિક વેપાર-ધંધા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે છેલ્લા ઘણા સમયથી પાલનપુરની તમામ બજારો બંધ હાલતમાં જોવા મળી રહી છે. હાલમાં પાલનપુરમાં રોજના મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે પરિસ્થિતિ પણ બેકાબૂ બની છે ત્યારે આ પરિસ્થિતિને ઓછી કરવા માટે મોટાભાગના તમામ વેપારીઓએ જાતે જ પોતાના વેપાર-ધંધા બંધ કર્યા છે.
વેપારીઓ બંધ બારણે પોતાના વેપાર-ઘંધા કરી રહ્યા છે
આજે પણ પાલનપુરમાં એવા અનેક વેપારીઓ છે કે જાણે તેમને કલેક્ટરના જાહેરનામા અને કોરોના વાઇરસથી કઈ લેવાદેવા ન હોય તેમ બંધ બારણે પોતાના વેપાર-ધંધા કરી રહ્યા છે. લોકોના હિતમાં આવા વેપારીઓએ તમામ વેપાર-ધંધા બંધ રાખવા જોઈએ જેનાથી આવનારા સમયમાં કોરોના વાઇરસની ચેઇન તોડી શકાય.