ડીસા તાલુકાના ટેટોડા ગામે પાંચેક વર્ષ અગાઉ ગામમાં સરપંચ ,ઉપસરપંચ ,તલાટી તેમજ ડીસા તાલુકાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી મનરેગા યોજના ટેકનીકલ આસીસ્ટન્ટ વગેરે મળી ગામના સ્મશાનની દિવાલ ,રાજીવ ગાંધી ભવન ,આર.સી.સી રોડ, શાળાના ઓરડા તેમજ તળાવો ઉંડા કરવાના કામ સહિતના કામોમાં કોઈપણ કામ કર્યા વગર ગામના વ્યક્તિઓના નામે ખોટા જોબકાર્ડ ઉધારી રૂપિયા 19.50 લાખ ઉપરાંતની રકમની ઉચાપત કરી હતી.
આ બાબતે ગામમાં જાગ્રત નાગરિક ભૂરાભાઈ પટેલનું પણ જોબ કાર્ડ ખોટું બની જતા તેમના નામે પણ બરોબાર પૈસા ઉપડી જતા તેઓએ આરટીઆઈ પાસે માહિતી મગાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.જિલ્લા વિકાસ અધિકારીએ કમિટી બનાવી તપાસના ઓર્ડર કરતા આ બાબતે સ્પષ્ટ ગેરરીતિ જણાતા ડીસા તાલુકાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી ચંદુભાઈ ડગલા,તાલુકા ભાજપના અગ્રણી રમેશભાઈ કાલમા, ગામના સરપંચ,ઉપસરપંચ, તલાટી તેમજ મનરેગા યોજનાના ટેકનીકલ આસીસ્ટન્ટ સહિત નવ જેટલા વ્યક્તિઓ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે તત્કાલીન TDO સહિત રમેશ કાલમા એ આગોતરા જામીન મેળવ્યા હતા, જેથી તેમની ધરપકડ થઈ શકી હતી.જોકે સામે પક્ષે ફરિયાદીને અસંતોષ જણાતા તેને હાઇકોર્ટમાં રજુઆત કરી હતી.જેથી હાઇકોર્ટે સમગ્ર કૌભાંડની તપાસ CID ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.
હાઇકોર્ટે CID ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપતા જ ગુરૂવારના રોજ તત્કાલીન TDO ચંદુ ડગલા અને રમેશ કાલમાના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા અને CID ક્રાઈમની ટીમે તેઓને ડીસાની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા.જ્યાં આ બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે તેઓને બે દિવસના રિમાન્ડ મંજૂર કરી સીઆઇડી ક્રાઈમને સોંપ્યા હતા.