- રાજ્યમાં યોજાઈ PIની ભરતી માટે પરીક્ષા
- કોરોનાના કારણે છેલ્લા કેટલાય મહીનાથી તમામ ભરતી પરીક્ષા રખાઈ હતી મોફુક
- બનાસકાંઠામાં 45 કેન્દ્રો પર લેવાઈ પરીક્ષા
બનાસકાંઠાઃ GPSC આયોજિત પોલિસ ઇન્સ્પેકટર 2019ની 60 સીટોની સીધી ભરતી પરીક્ષા માર્ચ 2019માં યોજાનારી હતી. પરંતુ કોરોનાકાળમાં લોકડાઉન લાગું પડતાં તમામ સરકારી ભરતી પરીક્ષાઓ સ્થગિત કરી દેવાઈ હતી. જોકે, હવે કોરોના સંક્રમણ ઓછું થતાં 9 મહિના બાદ GPSC આયોજિત પોલીસ ઇન્સ્પેકટર (PI)ની પ્રથમ તબક્કાની ભરતી પરીક્ષા રવિવારે યોજાઈ હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 45 કેન્દ્રો પર GPSC દ્વારા PIની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી.
જિલ્લાના 11,640 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોજાયેલી આ પરીક્ષા સવારે 11થી બપોરે 2 વાગ્યા દરમિયાન ત્રણ કલાકના સમયગાળામાં લેવાઈ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાઓ પાલનપુર, ડીસા, દાંતીવાડા અને વડગામના 45 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી. જેમાં જિલ્લાના 11,640 વિદ્યાર્થીઓએ પોતાનું ભાગ્ય આજમાવ્યું હતું. પરીક્ષા નવ મહિનાના લાંબા ગાળા બાદ યોજાઈ હોવાથી અને પેપર પણ મધ્યમ લેવલનું હોવાથી વર્ષોથી મહેનત કરી ભાવિ અધિકારી બનવવાનું સ્વપ્ન સેવતાં યુવક-યુવતીઓમાં ખુશીની લાગણી સ્પષ્ટ જોઈ શકાતી હતી. બીજી તરફ માત્ર નસીબ અજમાવવા પરીક્ષા આપનારા ઉમેદવારોને પેપરનું લેવલ જોઈ નિરાશા સાંપડી હતી.