બનાસકાંઠા: ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને જાણીતી લોકગાયિકા કિંજલ દવેએ ઘોડે ચડીને કરેલા રોડના ખાતમુહૂર્તમાં અનેક કાર્યકરો તેમજ અધિકારીઓની મેદની જોવા મળી હતી. જેને પગલે સામાજિક અંતર જળવાયું ન હતું. આ મામલે હવે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સરકારના બેવડાં ધોરણો છતાં થયા છે.
બે દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં ડીસા તાલુકાના ડેડોલ ગામમાં રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને જાણીતી ગાયિકા કિંજલ દવે બંને ઘોડે ચડ્યા હતા અને વરઘોડો કાઢી ખાતમુહૂર્ત કર્યુ હતું.
એક તરફ મુખ્યપ્રધાનથી લઈને વડાપ્રધાન સુધી તમામ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવાનું વારંવાર જણાવી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપના જ ધારાસભ્ય વડાપ્રધાનનું અપમાન કરતા હોય તેવા દ્રષ્યો સર્જાયા છે. સામાન્ય જનતા જ્યારે માસ્ક વગર નીકળે છે ત્યારે દંડ ફટકારવામાં આવે છે અને ભાજપના નેતાઓ વરઘોડો કાઢે તો પણ તેઓની સામે તંત્ર ચૂપકીદી સાધી લેતા લોકોએ આક્રોષ ઠાલવ્યો હતો.