- બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં વધારો
- જિલ્લામાં રોજના મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ એક્ટિવ
- બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના કેસમાં દર્દીઓને સારવારમાં અગવડતા
બનાસકાંઠા : હાલમાં જે પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને અનેક સમસ્યાઓનો કોરોના પોઝિટિવ દર્દીઓની સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સતત વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે. જેના કારણે દર્દીઓને સમયસર સારવાર પણ મળતી નથી. વારંવાર સારવારના અભાવના કારણે કોરોના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : ડાંગ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા 2 નવી 108 એમ્બ્યુલન્સની ભેટ
નવી 5 એમ્બ્યુલન્સ આવવાથી જિલ્લાના લોકોને તાત્કાલિક સારવાર મળશે
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકોના વધેલા સંક્રમણને કારણે હજારોની સંખ્યામાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે, ત્યારે આવા સમયે આરોગ્ય વિભાગ દ્વારા આ દર્દીઓને હોસ્પિટલ સુધી લાવવા- મૂકવા માટે અનેક તકલીફો પડતી હતી. તો બીજી તરફ કોરોના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ખાનગી વાહનો પણ જતા ન હતા, જેના કારણે અવારનવાર કોરોના પોઝિટિવ દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આ પણ વાંચો : કરમસદમાં પ્રાણવાયું માટે તરફડતા દર્દી માટે 108 એમ્બ્યુલન્સ બની જીવાદોરી
કોરોના કાળમાં નવી 5 એમ્બ્યુલન્સ આવવાથી જિલ્લાના લોકોને તાત્કાલિક સારવાર મળશે
કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકોની સેવા માટે વધુ પાંચ 108 એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા લોકોની સેવા માટે મૂકવામાં આવી છે. કોરોનાની બીજી લહેરના સંક્રમણને ઘટાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
હવેથી લોકોને ઝડપથી આરોગ્ય સુવિધાઓ મળશે : કલેક્ટર
108 એમ્બ્યુલન્સના પ્રસ્થાન પ્રસંગે કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના સંજોગો અને કોઇપણ પ્રકારની ઇમરજન્સીના સમયમાં લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સની કામગીરી બહુ સરાહનીય રહી છે. જિલ્લામાં અત્યાર સુધી 24 જેટલાં અલગ અલગ સ્થળોને 108 એમ્બ્યુલન્સની સેવામાં આવરી લીધા હતાં, પરંતું જિલ્લાની જનસંખ્યા, વિસ્તારને ધ્યાને લઇ લોકોને સ્થાનિક કક્ષાએ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વધુ પાંચ 108 એમ્બ્યુલન્સ અલગ અલગ સ્થળોએ રવાના કરવામાં આવી છે. જેનાથી હાલની કોરોનાની સ્થિતિ અને આવનારા સમયમાં કોઇપણ પ્રકારની ઇમરજન્સી ઘટના બને તેવા સંજોગોમાં આ સુવિધા વધુ ઉપયોગી સાબિત થશે અને લોકોને ઝડપથી આરોગ્ય સુવિધાઓ મળશે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા અધિકારી ડૉ. એસ. એમ. દેવ, સીવીલ સર્જન ડૉ. ભરત મિસ્ત્રી, 108ના કિરણ પરમાર સહિત આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.