બનાસકાંઠાઃ ડીસા નગરપાલિકામાં શહેરના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. શહેરનો વિકાસ એક તરફ દિવસેને દિવસે વધી રહ્યો છે, તો બીજી તરફ ડીસા શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી રોડ બનાવાયા નથી. તેમજ ગટરના પાણીની વ્યવસ્થા પણ કરાઈ નથી. જેના કારણે ડીસા શહેરના અનેક વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
એક તરફ ડીસા નગરપાલિકા ડીસા શહેરમાં સારો વિકાસ થયો છે તેવી વાતો કરી રહી છે તો બીજી તરફ ડીસામાં અનેક વિસ્તારના લોકો હાલ વરસાદી પાણીના ભરાવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડીસા શહેરમાં એક તરફ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે શહેરના મોટાભાગના રોડ તોડી અને ભૂગર્ભ ગટર બનાવવામાં આવે છે. જે બાદ નગરપાલિકા દ્વારા આ યોજના હેઠળ શહેરને સારા એવા રોડ બનાવવાના હોય છે. પરંતુ ભૂગર્ભ ગટર બનાને લાંબો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી અનેક વિસ્તારોમાં રોડ બનાવવામાં આવ્યા નથી.
ડીસાની જોગકૃપા સોસાયટીમાં 70થી પણ વધુ પરિવાર વસવાટ કરે છે. આ પરિવાર દર વર્ષે નગરપાલિકામાં ઘરવેરોઅને પાણી વેરો ભરે છે. છતાં પણ આજદિન સુધી આ વિસ્તારના લોકોને નથી તો સારો રોડ મળ્યો કે નથી તો આ વિસ્તારના લોકોને ગટરની વ્યવસ્થા કરી આપવામાં આવી. નજીવા વરસાદમાં જ આ વિસ્તારમાં ચારેબાજુ પાણી ભરાઈ જાય છે તેના કારણે આ વિસ્તારમાં લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે.
હાલમાં એક તરફ કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ આ સોસાયટીમાં આજુબાજુ પાંચથી છ સોસાયટીઓ આવેલી છે. જે તમામ સોસાયટીઓનું પાણી આ વિસ્તારમાં ભેગું થાય છે જેના કારણે મોટો રોગચાળો ફેલાવાની શક્યતા છે ત્યારે આ બાબતે આ વિસ્તારના લોકોએ અનેકવાર ડીસા નગરપાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી ડીસા નગરપાલિકા દ્વારા તેમની વાત સાંભળવામાં આવી નથી. જેના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
નગરપાલિકામાં રજૂઆત કરતાં ડીસા નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે,"આ વિસ્તારમાં 80 ફૂટનો રસ્તો બનશે તો જ આ વિસ્તારમાં ગટર અને રોડની સારી વ્યવસ્થા કરી આપવામાં આવશે. અત્યારે હાલ તો આ વિસ્તારના લોકોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકા આ વિસ્તારની મુલાકાત લઇ ગટરના પાણીના નિકાલ અને સારો રોડ બનાવી આપવામાં આવે નહિતર આગામી સમયમાં કોઈ મોટી બીમારી ફાટી નીકળશે તો તેની તમામ જવાબદારી ડીસા નગરપાલિકાની રહેશે."