- ઉમેદવારોના ઘરે શૌચાલય હોવું ફરજિયાત
- ઉમેદવારે ટોયલેટ જોડે ફોટો પડાવવો પડશે
- ક્રોસ વેરિફિકેશન સરળ રહે તે માટે આ નિર્ણય
બનાસકાંઠા : 23 ફેબ્રુઆરીએ થનારી પાલનપુર, ડીસા અને ભાભર પાલિકાની ચૂંટણીમાં 9 થી 13 ફેબ્રુઆરી સુધી ચૂંટણી ફોર્મ ભરાશે. આ ચૂંટણીની આચારસંહિતા લાગુ થતાં રાજ્ય ચૂંટણી તંત્ર પણ તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે ચૂંટણી લડવા ઉમેદવારો પણ અધીરા બન્યાં છે, પરંતુ પાલનપુર પાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોના રંગમાં ભંગ પડયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર પાસે પોતાનું ઘર અને ઘરમાં ટોયલેટ હોવું ફરજીયાત છે. પરંતુ, અત્યાર સુધી માત્ર ઘરમાં ટોયલેટ હોવાનું સોગંધનામું કરવું જ પૂરતું હતું. તેની જગ્યાએ પાલનપુર પાલિકા તંત્રે ઉમેદવારોને ટોયલેટ પાસે ઉભા રહી ફોટો પડાવવાનો આદેશ કરતાં ઉમેદવારોમાં અચરજ સાથે ભીન્ન ભિન્ન પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
સમયના બચાવ માટે આ નિર્ણય
આ અંગે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સતિષભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉમેદવારોના પોતાના ઘરમાં ટોયલેટ હોવું ફરજીયાત છે, પરંતુ કર્મચારીઓએ દસેક ઉમેદવારોના ઘરે જઈ ટોયલેટ છે કે નહી તેનું ક્રોસ વેરિફિકેશન કરવું પડતું હોય છે, જેમાં સમય બહુ ખર્ચાય છે, જેથી વહીવટી સરળતા માટે ઉમેદવારોને ટોયલેટ પાસે ઉભા રહી ફોટો પડાવી ફોર્મમાં જોડવા જણાવ્યું છે.