ગત લોકસભાની ચૂંટણીમાં ફરી લોકોએ નરેન્દ્રઈ મોદી પર વિશ્વાસ મૂકતા ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા અને બાદમા કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાં 370ની કલમ રદ થતા જ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે લોકસભામાં વિજય થાય તો લાખણી પાસે આવેલા સુપ્રસિદ્ધ ગેળા હનુમાનજી મંદિર સુધી ચાલતા દર્શન કરવા જવા માટેની બાધા રાખી હતી, ત્યારે આજે પ્રદેશ મહામંત્રી કે.સી પટેલની સાથે બનાસકાંઠા જિલ્લા સાંસદ સભ્ય પરબત પટેલ, પૂર્વ પ્રધાન શંકર ચૌધરી, બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્ય અને ભાજપના આગેવાનો પણ આ લાખણીથી ગેળા હનુમાનજી મંદિર સુધી પદયાત્રામાં જોડાયા હતાં.
મંદિરે પહોંચ્યા બાદ કે.સી. પટેલ સહિત આગેવાનોએ દર્શન કરી બાધા પૂર્ણ કરી હતી. સાથે સાથે સરકારના સ્વચ્છ ભારત અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનને આગેવાનોએ સાર્થક કરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કે.સી પટેલ પટેલ અને પરબત પટેલ સહિતના આગેવાનોએ પગપાળા યાત્રા દરમિયાન રોડ પર પડેલા પ્લાસ્ટિકનો કચરો જાતે જ ઉઠાવી સ્વચ્છતા કરી હતી. સાથે સાથે જ અન્ય કાર્યકરોને પણ સફાઈ માટે સંદેશો આપ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ આવતી ૨૧મી તારીખે યોજવામાં આવશે, ત્યારે ભાજપમાં ઉમેદવારનું નામ જાહેર થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે તેવામાં શંકરભાઈ ચૌધરી પણ આ બેઠક પર પ્રબળ દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે તેઓએ આ સવાલના જવાબમાં ભાજપ મોવડી મંડળ કોણ હશે તે નક્કી કરશે અને બધા સાથે મળીને જીતાડશે તેમ જણાવ્યું હતું.