બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કોરોના વાઈરસના કારણે વધુ એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોના વાઈરસથી કુલ 4 લોકોના મોત થયા છે.
કોરોના વાઈરસની મહામારીની અસર દરેક લોકો પર જોવા મળી છે. છેલ્લા ઘણા સમયથી કોરોના વાઈરસની લડાઈમાં ભારતના વડાપ્રધાન દ્વારા લોકડાઉન આપવામાં આવતા દેશ હાલ બંધ છે. દેશમાં અત્યાર સુધી અનેક લોકોએ કોરોના વાઈરસને માત આપી ઘરે પરત ફર્યા છે, તો બીજી તરફ અનેક લોકોએ કોરોના વાઈરસની લડાઈમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 86 જેટલા દર્દીઓ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે. રેડ ઝોન બની ગયેલા બનાસકાંઠા જિલ્લામાં શનિવારે કોરોના વાઈરસે વધુ એકનો ભોગ લીધો છે.
અમદાવાદથી આવેલા 62 વર્ષીય રમીલાબેન રમેશભાઈ દોશીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ રીપોર્ટ આવતાં જ તેમને ડીસાની ભણસાલી કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા 10 દિવસથી ભણશાણી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યારે શનિવાર વહેલી સવારે કોરોના વાઈરસના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કારણે 2 મહિલા અને 2 પુરૂષો સહિત કુલ 4 લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે.