બનાસકાંઠાઃ આધુનિક યુગમાં શિક્ષણનો અભાવ, જૂના રિત-રીવાજો અને દેખાદેખીના કારણે અનેક પરિવારો સામાજિક પ્રસંગો સાચવવામાં દેવાના તળે ડૂબી જાય છે. ત્યારે આવા કુરિવાજોમાંથી બહાર આવી શિક્ષણનો વ્યાપ વધારી અન્ય સમાજની સાથે કદમ મિલાવતો થાય તે માટે બનાસકાંઠાના ડીસા ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ બનાવવામાં આવ્યું છે.
સમાજની પ્રણાલીગત રૂઢિઓ માન્યતાઓ અનુસાર સામાજિક પ્રસંગો કરાય છે. સમયને અનુરૂપ દેખાદેખીથી વધતા જતા ખર્ચાઓ પર અંકુશ રાખવા માટે દરેક સમાજમાં સામાજિક નીતિ નિયમો ઘડાય છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં સૌથી મોટી વસ્તી ધરાવતા ઠાકોર સમાજે જાગૃતિ લાવવા અને બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવા માટે બંધારણ બનાવ્યું છે.
ડીસાના જૈન વિહાર ધામ ખાતે ઠાકોર સમાજના વડીલો, યુવાનો અને બુદ્ધિજીવીઓની ઉપસ્થિતિમાં એક ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના તમામ સારા નરસા પ્રસંગોમાં કેફી પદાર્થોના સેવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સિવાય બોલામણામાં ઓઢામણા અને બાળકોની ઢુંઢ વખતે કસુંબા પ્રથા પર પાબંદી , લગ્ન, મરણ, મામેરા જેવા પ્રસંગોમાં પણ સમય અનુરૂપ મોટા સુધારા કરવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગોમાં DJ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલુંજ નહીં પણ દરેક દીકરા દીકરીઓને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ફરજિયાત કરાવવો અને નાની ઉંમરમાં થતા લગ્ન પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજના મૂડીવાદી જમાનામાં દરેક સમાજમાં વિવિધ પ્રસંગોમાં અમાપ ખર્ચ કરાય છે અને બિનજરૂરી ખર્ચને લઈ લોકો દેવામાં ડૂબી જાય છે. છેવટે હેરાન પરેશાન થઈ જાય છે. મોટે ભાગે ખેતી પશુપાલન અને ખેતમજૂરી પર નિર્ભર એવા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની કેટેગરીમાં આવતા ઠાકોર સમાજ દ્વારા સમયને અનુરૂપ દરેક બાબતોમાં સામાજિક સુધારણા કરવાની જરૂરિયાત છે.એવા સમયે ડીસા તાલુકાના ઠાકોર સમાજ દ્વારા વિવિધ સામાજિક પ્રસંગોમાં કરાયેલ સુધારાને લઈ પૈસાદાર અને ગરીબ વર્ગ દરેક પ્રસંગો સાદગીથી કરી શકશે.
સમાજમાં ઘણા કુરિવાજો છે અને ખોટા ખર્ચમાં સમાજ પાયમાલ થતો હતો, એટલે સામાજિક આગેવાનોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. સમાજ શિક્ષણ તરફ વળે અને ખોટા ખર્ચમાંથી આધુનિક દુનિયા સાથે કદમ મિલાવે તે માટે ઠાકોર સમાજની આ પહેલા અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.