ડીસાઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 2100 કિલો રાયડાની ખરીદી કરવામાં આવી હતી. જેમાં પ્રતિ મણે ખેડૂતોને બજાર ભાવ કરતા 100 રૂપિયાનો ભાવ વધુ મળ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સિઝન વાઇઝ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રવી સિઝનમાં પણ પ્રતિ મણ (20 કિલો)ના રૂપિયા 885ના ભાવથી રાયડાની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ડીસા તાલુકામાં રાયડાની ખરીદી ડીસા તાલુકા સંઘને આપવામાં આવી છે. જેથી ડીસા માર્કેટયાર્ડ ખાતે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે રાયડાની 42 બોરી (2100 કિલો) ખરીદ કરવામાં આવી હતી.
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર અને ડીસા તાલુકા સંઘ દ્વારા રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં બજાર ભાવ કરતાં પ્રતિ મણ રાયડાના 100 રૂપિયા વધુ મળી રહ્યાં છે. ડીસા તાલુકા સંઘના મેનેજર ઇશ્વરભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, "ડીસામાં ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 42 બોરી ખરીદવામાં આવી છે અને બજાર કરતાં ભાવ પણ વધુ મળી રહ્યો છે.