બનાસકાંઠાઃ લોકડાઉન વચ્ચે આજે તમામ વર્ગના લોકોની કપરી સ્થિતિ છે, ત્યારે દાતાઓ દ્વારા આજે જરુરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવી રહી છે, ત્યારે આજે પાલનપુર મુકામે સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં રત્નકલાકારોને 5000 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામાનો કરી રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. લોકડાઉનના લીધે પાલનપુર શહેરમાં ચાલતા હીરાના કારખાના પણ બંધ છે અને તેમાં કામ કરતા રત્નકલાકારો લોકડાઉનની પરિસ્થિતિમાં બેરોજગાર બન્યા છે. આ રત્નકલાકારો માટે મૂળ પાલનપુરના નિવાસી મુંબઇ તેમજ બીજા શહેરોમાં હીરાનો વ્યવસાય કરતાં હીરાનાં વેપારીઓ અને જેમ એન્ડ જવેલરી નેશનલ રીફીલ ફાઉન્ડેશન, મુંબઇ દ્વારા જરૂરીયાતમંદ રત્નકલાકારોને પાલનપુરમાં બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઇ પટેલના હસ્તે ૫૦૦૦ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં શ્રમિકો, ગરીબો, મધ્યમવર્ગ સહિતના લોકો અને રત્નકલાકારો ભૂખ્યા ન રહે તેની ચિંતા સરકાર, દાતાઓ અને સેવાભાવી લોકો કરતા હોય છે. તેમણે રત્નકલાકારોને રાશનકીટ આપી મદદરૂપ થનાર જૈનશ્રેષ્ઠીકઓ અને દાતાશ્રીઓની સેવાને બિરદાવતાં જણાવ્યું કે, જૈનશ્રેષ્ઠી ઓ અને દાતાશ્રીઓ હંમેશા દાન આપવામાં અને બીજાના દુઃખમાં સહભાગી થવાની ભાવના રાખે છે, જે અભિનંદનને પાત્ર છે.
સાંસદ પટેલે વધુમાં કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી બહાર આવવા માટે આપણે સૌ સરકારની ગાઇડલાઇન અને સુચનાઓનું પાલન કરીએ તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઘરે રહીએ એ પણ મોટી સમાજ સેવા જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઇના પરીખ ફાઉન્ડેશન, મહેન્દ્ર બ્રધર્સ, જેમ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન, પાલનપુર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ અને પલ્લવીયાજી સર્વમંગલ ટ્રસ્ટ, પાલનપુરના સહયોગથી આ રાશનકીટનું વિતરણ કરાયું હતું.
રાશનકીટ વિતરણમાં સહયોગ આપનાર હર્ષદભાઇ મહેતા, રાજુભાઇ સોમાણી, ર્ડા. જયેશભાઇ બાવીશી, દિલીપભાઇ શાહ, શૈલેષભાઇ મહેતા, ડાયમન્ડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અમૃતભાઇ પટેલ દ્વારા રાશનકીટ વિતરણ કરાયું હતું. જેમાં સારી સંખ્યામાં રત્નકલાકારો ઉપસ્થિત રહી રાશનકીટના લાભાર્થી બન્યા હતાં.