- કીર્તિસ્તંભ નજીક છે પ્રખ્યાત પાતળેશ્વર મહાદેવ મંદિર
- સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ અહીં થયો હોવાની લોકવાયકા
- મંદિરમાં સાથે જોડાયેલી છે અનેક દંતકથાઓ
- શિવરાત્રીએ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી ભીડ
બનાસકાંઠા: જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં પ્રખ્યાત પાતળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં શિવલિંગ સ્વયંભૂ પ્રગટેલું હોવાની સાથે-સાથે બીજી અનેક દંતકથાઓ સંકળાયેલી છે. જેથી આ મંદિરમાં શિવરાત્રીએ તેમજ દર સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે. હાલમાં કોવિડ ગાઈડલાઈન ચાલતી હોવાથી પોલીસ બંદોબસ્તની સાથે-સાથે મંદિરમાં કોવિડ સૂચનાના બોર્ડ પણ લગાવાયા છે. આ ઉપરાંત મંદિરમાં એક પણ ઘંટ રાખ્યો નથી. ભક્તોએ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં આજના શિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દૂર-દૂરથી આવેલાં ભક્તોએ જણાવ્યું હતું કે, આ મંદિરમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હોવાથી અહીં માતાઓ-બહેનો સંતાન પ્રાપ્તિ માટે તેમજ સંતાનોના લગ્નની બાધાઓ રાખવા આવતી હોય છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રીની પૂર્વસંધ્યાએ ભવનાથની ગિરિ તળેટીમાં જોવા મળ્યો મેળાનો માહોલ
પ્રખ્યાત સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની કર્મભૂમિ છે પાતાળેશ્વર મંદિર
પાટણના સોલંકી રાજા કર્ણદેવ સોલંકી તેમજ તેમની પત્ની મીનળદેવીને સંતાન પ્રાપ્તિ થતી નહોતી. કારણ કે કર્ણદેવ સોલંકીની પ્રથમ પત્નીને શંકા હતી કે, જો મીનળદેવીને સંતાનમાં પુત્ર થશે તો તેનો દીકરો જ ગાદી પર બેસશે. જેથી તેણે મહારાજ પાસે એક કાવતરું કરી માટલામાં દેડકું પુરાવ્યું હતું. જ્યાં સુધી આ માટલાંમાંથી દેડકું બહાર નહી નીકળે ત્યાં સુધી મીનળદેવીના ગર્ભમાં રહેલું સંતાન જન્મી શકશે નહીં. જેથી વર્ષોથી ગર્ભમાં રહેલું સંતાન જન્મતું ન હોવાથી મીનળદેવી અને કર્ણદેવ સોલંકી ભટકતાં-ભટકતાં પાલનપુરના પાતળેશ્વર મંદિરે પહોંચ્યા. જ્યાં તેઓએ કાવતરાનું તોડ કાઢવા કર્ણદેવની પ્રથમ પત્નીને એવો ખોટો મેસેજ પહોંચાડ્યો કે મીનળદેવીએ પાલનપુરમાં દીકરાને જન્મ આપ્યો છે. આ સમાચાર જાણી કર્ણદેવની પ્રથમ પત્નીએ માટલું ખોલી તપાસ કરતાં દેડકું માટલાંમાંથી બહાર નીકળ્યું. જેવું અહીં દેડકું માટલામાંથી નીકળ્યું કે, તરત જ પાલનપુરમાં મીનળદેવીએ દીકરાને જન્મ આપ્યો. જેને જયસિંહ નામ આપવામાં આવ્યું. જે પાછળથી મહાન રાજા સિદ્ધરાજ જયસિંહના નામે પ્રખ્યાત થયા હતા.
આ પણ વાંચો: ભવનાથની ગિરિ તળેટીમાં મહાશિવરાત્રીના પર્વ પર સાધુ સંન્યાસીઓની વિશેષ હાજરી
મંદિરની નીચે સુરંગ હોવાની પણ લોકવાયકા
પાતાળેશ્વર મહાદેવના મંદિરે શિવલિંગ સ્વયંભૂ પ્રગટેલું હોવાની લોકવાયકા છે. આ ઉપરાંત આ શિવલિંગ નીચેથી એક સુરંગ પણ નીકળતી હતી, જે સીધી જ પાટણ પહોંચતી હતી. જોકે પાછળથી સુરક્ષાના કારણોસર તેને બંધ કરી દેવામાં આવી હોવાની પણ દંતકથા સંકળાયેલી છે.