- બનાસકાંઠા જિલ્લામાં BSFના વધુ 32 જવાનો સંક્રમિત
- સોમવારે 20 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
- કુલ આંકડો 52, તમામ જવાનોના સેમ્પલ ગાંધીનગર મોકલાયા
બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવવા માટે આવેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનો કોરોના સંક્રમિત થયા છે. નાગલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ મેળવીને તપાસ અર્થે મોકલાયા હતા. જેમાંથી સોમવારે 20 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ત્યારબાદ કુલ 433 જવાનોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી વધુ 32ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક 52 થયો છે. અસરગ્રસ્ત જવાનોમાં કોરોનાનો ક્યો વેરિયન્ટ છે, તેની તપાસ માટે નમૂના ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. જે 15 દિવસ બાદ જાણી શકાશે.
તમામ જવાનોને આઈસોલેટ કરાયા
થરાદ ખાતે નાગાલેન્ડથી આવેલા જવાનોના એક બાદ એક કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે કેટલાક જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે મંગળવારે વધુ 32 જવાનોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તાત્કાલિક તમામ અસરગ્રસ્ત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા છે અને અસરગ્રસ્ત જવાનોના સંપર્કમાં આવેલા તમામ જવાનો અને લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર
જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેર ભયાનક સાબિત થઇ હતી. કોરોનાની બીજી લહેર લોકોની બેદરકારીના કારણે સામે આવી હતી. આ કોરોના વાઇરસની બીજી લહેરમાં બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ સાબિત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે હજુ તો માંડ માંડ કોરોના વાઇરસની બીજી લહેર પૂર્ણ થઇ છે. ત્યારે ફરી એકવાર કોરોનાના કેસ શરૂ થયા છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર બનાસકાંઠા જિલ્લામાં આવી શકે તેમ છે.