બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ફરી એકવાર તીડના ઝુંડે આક્રમણ કરતા ખેડૂતો ભયભીત બની ગયા છે. રાજસ્થાન તરફથી આવેલા તીડના ઝુંડે ત્રણ તાલુકાના 7 જેટલા ગામમાં આક્રમણ કરતા તંત્ર એલર્ટ બન્યું છે.
બનાસકાંઠામાં તીડના ઝુંડે ઓનલાઈન પાસ કઢાવ્યો હોય તેમ લાગી રહ્યું છે. એક જ વર્ષમાં એક બે વાર નહિ, પરંતુ પાંચમી વાર તીડના ઝુંડે આક્રમણ કર્યું છે. સરહદી વિસ્તારના ખેડૂતો આમ પણ કમોસમી માવઠુ અને કોરોનાની સમસ્યાથી પીડાતા હતા. તેવામાં ફરી એકવાર તીડના ઝુંડે આક્રમણ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
![તિડનું આક્રમણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7561039_105_7561039_1591795804616.png)
છેલ્લા એક જ વર્ષમાં પાકિસ્તાનથી આવેલા તીડના ઝુંડે પાંચમી વાર બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ધામા નાખ્યા છે. વાવના એટા ગામે, સુઇગામના રડકા અને ભાભર તાલુકાના ચાતરા, રૂની સહિત સાત જેટલા ગામમાં આક્રમણ કરતા ખેડૂતોએ તીડને ભગાડવા દેશી નુસખા અપનાવી રહ્યા છે. જે ગામમાં તીડ આવ્યા છે ત્યાં તીડને ભગાડવા માટે સ્થાનિક ગામ લોકો અને ખેડુતો થાળી વગાડી, ધુમાડો કરીને કે, ઢોલ વગાડીને તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પાકિસ્તાન તીડને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નિવડતા તીડના ઝુંડ રાજસ્થાનમાં પ્રવેશતા હોય છે અને ત્યાંથી પવનની દિશા બદલાતાં આ ઝુંડ બનાસકાંઠાના સરહદી વિસ્તારો તરફ વળ્યા છે, ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ અને તીડ નિયંત્રણ વિભાગની ટીમો પણ દવાઓનો છંટકાવ કરી તીડને ભગાડવા માટે પ્રયાસ કરી રહી છે.
જ્યારે બીજી બાજુ દિયોદર પંથકમાં તીડનું આક્રમણ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. દિયોદરના નોખા, દેલવાડા, કોટડા, વડીયા જેવા અનેક ગામોમાં એક કિલોમીટરના ઘેરાવામાં તીડનું આક્રમણ થયું છે. ભીલડી પંથકમાં તિડનું આગમન થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ભીલડી નજીક પાલડી, રામવાસ વિસ્તારમાં તીડ આવી પહોંચ્યા છે. તંત્ર પણ તીડને કાબૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. જો કે, આ તીડ રૂપી આકાશી આફતથી જિલ્લાવાસીઓને કાયમી છુટકારો ક્યારે મળશે તે જોવું રહ્યું.