બનાસકાંઠામાં કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ વરધીલાલ વેરસીજી મકવાણાએ અચાનક સ્વેચ્છાએ તેમના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. વરધીલાલ મકવાણાએ પોતાના લેટર પેડ પર રાજીનામું લખી જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ આપી તેમની રાજીનામું સ્વીકારવા માટે રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા બાદ હવે કોંગ્રેસ તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આગામી સમયમાં કોંગ્રેસના બદલે ભાજપ કાંકરેજ તાલુકા પંચાયતમાં સત્તા પર આવે તેવું પણ રાજકીય સૂત્રો માની રહ્યા છે.
આ મામલે પ્રમુખ વરધીલાલ મકવાણાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ઉપર વાળા છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે હેરાન કરતા હતા. એટલા માટે જ મે કોંગ્રેસથી કંટાળીને રાજીનામું આપ્યું છે. જ્યારે તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે મામલે પૂછતા તેઓએ હજુ આ બાબતે કાઈ વિચાર્યું નથી તેમ જણાવ્યું હતુ.