બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કોટડા ગામમાં પછાત જાતિના સરપંચને અપમાનિત કરાયાંની ઘટના પ્રકાશમાં આવી છે. ધાનેરા પાસે આવેલા કોટડા ગામમાં ગઈરાત્રે સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ આરોગ્ય વિભાગને થતાં વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન તાલુકા આરોગ્ય વિભાગના વડાએ ગામમાં પહોંચી લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું હતુ. જ્યાં ગામના સરપંચને પણ જમીન પર બેસાડાયા હતા, આ દરમિયાન ગામના પછાત જાતિના સરપંચ જમીન પર કોથળો નાખીને જવાબ લખાવતા હતા. જેને પગલે તાલુકા હેલ્થ ઓફિસર પી. એચ. ચૌધરી દ્વારા સરપંચ મસરૂભાઈ માજીરાણાનું અપમાન કરાયું હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની હતી.
પરંતુ ઘટના ફેલાવાનો વેગ જોઈ તાલુકા હેલ્થ ઓફિસર પી. એમ. ચૌધરીએ જણાવ્યું હતુ કે, 'નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન સરપંચ આવ્યા અને તેઓ જાતે જ જમીન પર બેસી ગયા હતા, જેથી અમે કોઈ સરકારી જમીનમાં કે સરકારી ઓફિસમાં બોલાવીને અપમાન કર્યું નથી. જે વીડિયો વાયરલ થયો છે તે આરોગ્ય વિભાગને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.'