- ઓક્સિજન પ્લાન્ટ થકી રોજના 800 સિલિન્ડર રિફિલ થશે
- બીજી લહેરને ધ્યાને લઈ ધારાસભ્ય દ્વારા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો
- ત્રીજી લહેરને લઈ આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ તૈયારી
બનાસકાંઠા: કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઓક્સિજન માટે અનેક લોકોએ હોસ્પિટલમાં વલખાં માર્યા હતા, ત્યારે કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે, ત્યારે આજે વડગામ તાલુકાના છાપી PHC ખાતે 13 કે.એલ.ની ક્ષમતા સાથેના ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટનું લોકાર્પણ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અનેક સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં કર્યું, જેમાં આ પ્લાન્ટ થકી દરરોજ 800 સિલિન્ડર રિફિલ થશે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડગામ સહિત જિલ્લાને સરળતાથી ઓક્સિજન મળી રહેશે.
બીજી લહેરને ધ્યાને લઇ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. કોરોના વાઇરસની બીજી લહેરમાં ઓક્સિજનની અછતના કારણે જિલ્લામાં અનેક લોકોના મોત નિપજ્યા હતા. સતત ઓક્સિજન માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં લોકોને સમયસર ઓક્સિજન મળ્યો ન હતો. જેના કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનો માંથી પોતાના સભ્યો ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે કોરોના વાઇરસની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે ઓક્સિજનની અછત વર્તાય નહીં તે માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે એક કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરે ઓક્સિજનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
કોરોના વાઇરસની ત્રીજી લહેર પૂર્વે તૈયારીઓ
ઓક્સિજન પ્લાન્ટ દ્વારા આગામી સમયમાં કોરોના વાઇરસની ત્રીજી લહેરમાં પરિસ્થિતિ સર્જાય અને ઓક્સિજનની જરૂરિયાત હશે. તો આ પ્લાન્ટમાંથી 800 જેટલી ઓક્સિજનની બોટલો મળી રહેશે. જેથી લોકોને ઓક્સિજનની અછત વર્તાય નહીં.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નિવેદન
આ અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે, ત્યારે કોઈને ઓક્સિજન માટે ભટકવું ન પડે તે આશયથી ગ્રાન્ટમાંથી 1 કરોડ રૂપિયા આપીને આ પ્લાન્ટ શરૂ કરાયો છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે જિલ્લા સહિત વડગામ તાલુકાના અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે જિલ્લામાં ઓક્સિજનની યોગ્ય વ્યવસ્થાના અભારે લોકોને ઓક્સિજન માટે દરદર ભટકવું પડ્યું હતું. જોકે હવે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરતાં સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને ધારાસભ્યનો આભાર માન્યો હતો.
ત્રીજી લહેરને લઈ વહીવટી તંત્ર એલર્ટ
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઇ હતી. સતત દવાઓની અછત અને ઓક્સિજનની અછતના કારણે અનેક લોકો મોતને ભેટયા હતા. તે ઉપરાંત જિલ્લામાં કોરોના વાઇરસની બીજી લહેરમાં મોટી સંખ્યામાં દર્દીઓ વધી જતા કોરોના વાઇરસને અટકાવવો મુશ્કેલ બની ગયું હતું, ત્યારે આગામી સમયમાં કોરોના વાઇરસની ત્રીજી લહેરની જ્યારે આશંકા જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત સરકારી હોસ્પિટલમાં કોરોના વાઇરસની મહામારીમાં જરૂરિયાત તમામ વસ્તુઓની તૈયારીઓ કરવામા આવી છે.