બનાસકાંઠા : આમ તો સામાન્ય રીતે લોકો પોતાના સ્નેહીઓ અને મિત્રો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. પરંતુ બનાસકાંઠાના ડીસામાં એક વેપારીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. ડીસાના વેપારી અને બિલ્ડર પી.એમ. માળીએ તેમના જન્મદિવસ નિમિત્તે 12 ટ્રક ઘાસચારો ગૌશાળામાં દાન કર્યો છે. એટલું જ નહીં પરંતુ ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ઉનાળાના ધોમધખતા તાપમાં ચાલવામાં તકલીફ ન પડે તે માટે 500 જોડી ચપ્પલનું વિતરણ કર્યું હતું. પી.એન.માળી મૂળ ડીસા તાલુકાના રાણપુર ગામના વતની છે, અને બટાકા અને જમીન લે-વેચના મોટા વેપારી છે.
દર વર્ષે તેઓ પોતાના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારી સમયે પોતાના જન્મદિવસ પર ખર્ચ થતાં તમામ નાણા તેઓએ પશુ અને માનવ સેવામાં વાપર્યા છે. એટલું જ નહીં પરંતુ અગાઉ તેઓએ 12 હજાર જેટલી રાશન કિટોનું પણ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વિતરણ કરી માનવસેવા કરી હતી.