બનાસકાંઠા બટાટાની ખેતીને લઈ મશહૂર બનેલા ડીસા તાલુકાના ખેડૂતોમાં હવે બટાટાની ખેતીને લઈને મોહભંગ થઈ રહ્યો છે. આ વાત આજની નથી, પરંતુ છેલ્લા 4 વર્ષના આંકડા તો આવું જ જણાવે છે. અહીં બટાટાના વાવેતરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 4 વર્ષમાં તેમાં 21 ટકા જેટલો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.
આ પણ વાંચો વાડી રે માયલો લીલો ગાંજો, હનુમાન દાદાની સેવા પાછળ ગાંજાના છોડનું વાવેતર કરતા પુજારી
જિલ્લામાં બટાટાના વાવેતરની શરૂઆતઃ જિલ્લો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જિલ્લો માનવામાં આવે છે. જિલ્લાના ખેડૂતો આમ, તો દર વર્ષે અલગ અલગ સિઝનમાં ખેતી કરે છે, જેમાંથી ખેડૂતો દર સિઝનમાં સારી આવક મેળવી રહ્યા છે. વર્ષો પહેલા જ્યારે જિલ્લાની જીવાદોરી સમાન બનાસનદી 2 કાંઠે વહેતી હતી ત્યારે ખેડૂતોએ નદીમાંથી બટાટાનું વાવેતર શરૂ કર્યું હતું, પરંતુ ધીમે ધીમે બનાસ નદી સુકાઈ જતા ખેડૂતોએ પોતાના ખેતર તરફ બટાટાના વાવેતરની શરૂઓત કરી હતી.
વર્ષોથી સારી કમાણી મેળવી રહ્યા હતા ખેડૂતોઃ વર્ષો સુધી જિલ્લાના ખેડૂતો બટાટાની ખેતીથી સારી એવી કમાણી કરી રહ્યા હતા અને દર વર્ષે જિલ્લામાં મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર થાય છે, જેમાં સૌથી વધુ વાવેતર જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતો કરે છે. જોકે, હવે છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકાના ખેડૂતો બટાટામાં એક બાદ એક અનેક ઘણું નુકસાન પણ સહન કરી રહ્યા છે, જેના કારણે હવે ખેડૂતો બટાટાના વાવેતરની જગ્યાએ અન્ય ખેતી તરફ પડ્યા છે.
રાતા પાણીએ રોઈ રહ્યા છે ખેડૂતોઃ બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસામાં ખેડૂતો જમીનમાં સોનાની માફક બટાટા નીકાળતા હતા અને તે બટાટા ગુજરાતમાં જ નહીં, પણ અન્ય રાજ્યમાં પણ જતા હતા. આના કારણે ડીસાના ખેડૂતોને બટાટામાં સારી એવી આવક થતી હતી, પરંતુ સમય બદલાતા લાખોની કમાણી કરી આપતા બટાટા આજે ખેડૂતોને ભાવના મળતા અને અન્ય રાજ્યોમાં બટાકાનું વાવેતર વધતા હવે ડીસાના ખેડૂતો બટાટાથી રાતા પાણી રોઈ રહ્યા છે.
જિલ્લામાં બટાટાનું ઉત્પાદન ઘટ્યુંઃ ગુજરાતમાં ડીસા સૌથી વધુ ઠંડી અને ગરમીની સાથે સાથે બટાટાના ઉત્પાદન તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન ડીસામાં થાય છે. વર્ષોથી ડીસામાં રવિ સિઝનમાં ખેડૂતો બટાટાની ખેતી કરતાં આવ્યા છે. ડીસામાં ખેડૂતોએ બટાટાની ખેતીની શરૂઆત લગભગ 100 વર્ષ પહેલા કરી હતી. તે સમયે ડીસામાં બનાસ નદી પણ જીવંત હતી. અને બટાટાની મોટા ભાગની ખેતી નદીમાં જ થતી હતી, પરંતુ નદી સૂકાઈ જતાં બટાટાના વાવેતરનું સ્થળ પણ બદલાયું. જે વાવેતર નદીમાં થતું હતું. તે જ બટાટાનું વાવેતર નદીમાથી બહાર આવીને ખેતરોમાં થવા લાગ્યું હતું.
બટાટાએ એક સમયે આપી હતી સારી કમાણીઃ ડીસામાં ખેડૂતોને સારી એવી આવક પણ બટાટાએ આપી છે. ડીસાના બટાટા તેની ગુણવત્તાને લઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બટાટાના ભાવોમાં અનિયમિતતા જોવા મળી રહી છે. બીજી તરફ બટાટાની ખેતી પણ દિવસેને દિવસે મોંઘી બનતી જઈ રહી છે. જ્યારે ભાવો આજે પણ છેલ્લા 30 વર્ષની સપાટીની આસપાસ જ રહેતા હોવાથી બટાટાની ખેતી ખેડૂતોને હવેના સમયમાં પરવડતી નથી. પરિણામે ડીસા તાલુકાના ખેડૂતો જે બટાટાની ખેતી તરીકે જાણીતા હતા. તે ખેડૂતોનો બટાટાની ખેતીથી મોહભંગ થતો જઈ રહ્યો છે.
બટાટામાં ક્યાં વર્ષમાં કેટલું ઉત્પાદન ઘટ્યુંઃ ડીસા બટાટા સંશોધન કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિકનો સંપર્ક કરીને છેલ્લા 4 વર્ષમાં ડીસા તાલુકામાં થયેલા બટાટાના વાવેતરના આંકડા મેળવ્યા છે. આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો. કારણ કે, બટાટાની ખેતી તરીકે મશહૂર બનેલા ડીસામાં જ છેલ્લા વર્ષમાં બટાટાના વાવેતરમાં સતત ઘટાડો નોંધાયો છે અને 5 વર્ષમાં જ ડીસા તાલુકામાં 21 ટકા જેટલું બટાટાનું વાવેતર ઘટી ચૂક્યું છે.
બટાટાના ઉત્પાદનમાં 21 ટકાનો ઘટાડોઃ આપણે વર્ષ 2018-19માં થયેલા બટાટાના વાવેતરથી વર્ષ 2022-23 સુધી 5 વર્ષમાં થયેલા બટાટાના વાવેતર પર નજર કરીએ તો, વર્ષ 2018-19માં બટાટાનું વાવેતર 68,143 હેક્ટરમાં થયું હતું. ત્યારબાદ 2022-23 સુધી બટાટાના વાવેતરમાં સતત ઘટાડો નોંધાયો છે. વર્ષ 2019-20માં 62,349 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. 2020-21માં 59,903 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. વર્ષ 2021-22માં 58,902 હેક્ટર જમીનમાં અને ચાલુ વર્ષ 2022-23માં બટાટાનું વાવેતર ઘટીને માત્ર 53,548 હેક્ટરમાં થયું છે. આમ, છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો, બટાટાના વાવેતરમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે બટાટા પ્રત્યે ખેડૂતોનો થતો મોહભંગ સાબિત કરી રહ્યો છે.
બટાટા સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકનું નિવેદનઃ ડીસા બટાટા સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડો. રામજી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી બટાટામાં આવી રહેલા સ્ક્રેપ નામના રોગના કારણે ખેડૂતો હવે બટાટાનું ઓછું વાવેતર કરે છે. સાથે બટાટાની ખેતી મોંઘી હોવા ઉપરાંત બટાટાના ભાવોમાં અનિયમિતતા જોવા મળી રહી છે. તેની સામે અન્ય પાકોના ભાવો સારા મળતા હોવાથી હવે ખેડૂતો બટાટાના બદલે અન્ય રવિ પાકોનું વાવેતર કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં બટાટાના હબ ડીસામાં જે રીતે ખેડૂતો બટાટાનું વાવેતર ઘટાડી રહ્યા છે. તેને જોતાં આગામી સમયમાં બટાટા નગરી તરીકેની ડીસાની ઓળખ સામે પણ ખતરો જોવા મળી રહ્યો છે. અને ભવિષ્યમાં બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસાનો બટાટા સાથેનો સબંધ પણ ઇતિહાસ બની જાય તો નવાઈ નહીં.