બનાસકાંઠા: જિલ્લામાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા અને ખેડૂતોના ઉભા પાકને નુકશાન જવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રવિવારના રોજ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડીસા, પાલનપુર, દિયોદર, લાખણી, ધાનેરા અને થરાદ સહિત અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. આ વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. મુરજાયેલા પાકને પણ જરૂરિયાત મુજબ વરસાદ મળી રહેતા પાકને નવજીવન મળ્યું છે. તો બીજી તરફ પવન સાથે વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેમાં દિયોદરમાં 5 કલાકમાં 2 ઇંચ વરસાદ થતાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું હતું.
નીચાણવાળી સોસાયટીમાં એક એક ફૂટ પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ આવતા દુષ્કાળનો ભય પણ દૂર થયો છે અને વરસાદી પાણી રસ્તા પર ભરાઈ જતા અનેક રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.