બનાસકાંઠાઃ સમગ્ર ભારતભરમાં કોરોના વાઈરસની મહામારીને ધ્યાને લઈ દેશના વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દરેક લોકોને 50 દિવસ ઉપરાંતના લોકડાઉનના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. આવા સમયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને પોતાનું જીવન નિર્વાહ ચાલે તે માટે રાહત પેકેજ માટે સહાય આપવામાં આવી છે. ત્યારે લોકડાઉન દરમિયાન લગ્નપ્રસંગ ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમો રદ થતા બાહ્મણોના ધંધા રોજગાર બંધ થઈ જતા તેમની હાલત કફોડી બની ગઈ છે. જેને લઈને ધંધા સાથે સંકળયેલા બાહ્મણ સમાજને રાહત પેકેજ આપવાની માગ કરાઈ છે.
હાલમાં કોરોના વાઈરસની મહામારીને ધ્યાને લઈ મંદિરો પણ બંધ રહેતા જિલ્લાના કર્મકાંડી બાહ્મણો અને પૂજારીઓને સરકાર દ્વારા રાહત પેકેજ તેમજ સરકારી ગાઇડલાઇનનું પાલન કરી મંદિરો ખોલવાની મંજૂરી આપવાની માંગ કરાઈ છે. જે સંદર્ભે બુધવારના રોજ શાસ્ત્રી હિરેનકુમાર તેમજ સમગ્ર જિલ્લાના કર્મકાંડી ભૂદેવો અને પૂજારીઓએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જયારે કર્મકાંડી ભૂદેવો અને પૂજારીઓ સહીત ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયાને પણ રજૂઆત કરાઈ છે. આગામી સમયમાં સરકાર તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરે તેવી માગ કરવામાં આવી છે.