બનાસકાંઠા : લોકડાઉનના કારણે માણસોની સાથે-સાથે પશુઓની પણ હાલત કફોડી બની છે. દર વર્ષે ઉનાળામાં રાજસ્થાનમાં ઘાસચારો અને પાણીની તંગી સર્જાતા અને પશુપાલકો હિજરત કરી ગુજરાતમાં આવતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો રાજસ્થાનથી ગુજરાત આવ્યા હતા. પણ અહીં લોકડાઉન હોવાના કારણે ઘાસચારાની અછત વર્તાતા પશુપાલકોની હાલત કફોડી બની હતી.
જયારે ડીસા તાલુકાના બાઇવાડા ગામે ઢેગાભાઈ રબારીએ તેમના ખેતરમાં ઉભેલી બાજરીના પાકને 400 પશુઓના હવાલે કર્યો હતો. ઘાસચારાની શોધમાં નીકળેલા પશુપાલકોની હાલત જોઈને ઢેગાભાઈને દયા આવી ગઈ હતી. ત્યારે તેઓએ કશો પણ વિચાર્ય કર્યા વગર તેમના ખેતરમાં ઉભા બાજરીનો પાક 400 પશુઓને ચરાવવા માટે આપી દીધો હતો. ત્યારે ખેતરમાલિકની માનવતા અને પશુ-પ્રેમ જોઈ હિજરતી પશુપાલકે સુભાષિશ પાઠવ્યા હતા.