પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ઘણાં સમયથી ગેરકાયદે પ્રવૃતિઓ થઈ રહી છે. અનેકવાર અધિકારીઓ દ્વારા દરોડા પાડી લાખો-કરોડો રૂપિયાનો મુદ્દામાલ જડપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને છેલ્લાં એક અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાંથી અનેક પ્રકારની ગેરકાયદે વસ્તુઓ ઝડપાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માટીનું ગેરકાયદેે ખનનની પ્રવૃત્તિ વધી પડી હતી. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં રેતી અને માટીના માફિયાઓ દ્વારા પૈસા કમાવાની લ્હાયમાં આડેધડ માટીનું ગેરકાયદે વેચાણ કરી રહ્યાં હતાં.
આજે પાલનપુરના પીપળી- ધનપુરા ગામે ગેરકાયદે માટી કામ ચાલતું હોવાની માહિતી મળતાં જ ભૂજ રેન્જની ટીમ અને જિલ્લા ભૂસ્તરવિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં આજે મોડી સાંજે ગેરકાયદે માટીકામનું મોટું કૌભાંડ ઝડપી પાડી મેગા ઓપરેશન પાર પાડયું છે. જેમાં એક હિટાચી મશીન અને પાંચ ડમ્પર જપ્ત કર્યા છે. ભૂસ્તર વિભાગે ગેરકાયદે ખનનના ઉપયોગમાં લેતાં પોણા બે કરોડ રૂપિયાના વાહનો જપ્ત કર્યા છે જ્યારે ઘટના સ્થળે જમીનની માપણી પણ શરૂ કરી છે. જમીનની માપણી કર્યા બાદ જ માટી માફીયાઓને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવશે. ભૂજ રેન્જ અને ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીથી બનાસકાંઠા જિલ્લામાં માટી માફીયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.