- બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધ્યું
- બાર વાગ્યા બાદ ગરમીના કારણે રસ્તાઓ થઈ જાય છે સૂમસામ
- ગરમીથી રક્ષણ મેળવવા વાહનચાલકો અવનવા કીમિયા અપનાવી રહ્યાં છે
- ગરમી સામે રક્ષણ મેળવવા લોકો કરી રહ્યાં છે ઠંડા પીણાંનો ઉપયોગ
ડીસાઃ આકાશમાંથી વરસતી અગ્નિ વર્ષા અને રસ્તા પર ઉડતી વરાળ આ દ્રશ્ય ડીસામાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતના વ્યાપારીમથક અને ગરમીને લઇને સમગ્ર ગુજરાતમાં જાણીતા બનેલા ડીસા શહેરમાં દસ દિવસથી તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. આમ તો ડીસાના લોકો સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમી માટે ટેવાયેલાં છે, પરંતુ અત્યારે જે રીતે ગરમી પડી રહી છે તે ગરમીએ લોકોને પરેશાન કરી દીધાં છે. હજુ તો એપ્રિલ માસની શરૂઆત થઈ છે. એટલે કે ઉનાળાની શરૂઆત છે અને ઉનાળાની શરૂઆત જ આટલી ખતરનાક છે, તો આવનારો સમય કેવો જશે પ્રશ્ન અત્યારે લોકોમાં દહેશત ઊભી કરી રહ્યો છે.
બાર વાગ્યા બાદ ગરમીના કારણે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યાં છે
એકતરફ કોરોના વાયરસની મહામારીએ સમગ્ર ગુજરાતમાં લોકોને ત્રસ્ત કરી દીધા છે, તો બીજીતરફ ગરમીએ જોર પકડતાં હાલમાં તેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં નલિયા બાદ સૌથી વધુ ગરમી ડીસા શહેરમાં પડે છે, ત્યારે હાલમાં એપ્રિલ માસની શરૂઆત થતાં જ ગરમીએ જોર પકડ્યું છે. જેના કારણે તમામ રસ્તાઓ હાલ સૂમસામ જોવા મળી રહ્યાં છે. જ્યાં રસ્તા ઉપર રોજના મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હતી, તે તમામ રસ્તાઓ ઉપર હાલ નજીવા વાહનચાલકો જોવા મળી રહ્યાં છે. ડીસા શહેરમાં હાલ ગરમી એવી ભયંકર પડી રહી છે કે બાર વાગ્યા બાદ બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ગરમી સામે રક્ષણ મેળવવા હાલ વાહનચાલકો હાથમાં મોજા, મોં પર રૂમાલ અને કેપનો ઉપયોગ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ આગામી 3 દિવસ રાજ્યમાં હિટવેવની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી
ગરમી સામે રક્ષણ મેળવવા લોકો ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યાં છે
ઉનાળાની શરૂઆત થતાં જ તમામ સ્થળ ઉપર ઠંડા પીણાંના સ્ટોલ શરૂ થઇ જતા હોય છે. ખાસ કરીને ડીસા શહેરમાં ગરમીની શરૂઆત થતાંની સાથે જ તમામ જાહેર રસ્તા ઉપર શેરડીના કોલાઓ શરૂ થાય છે. લોકો પણ ગરમી સામે રક્ષણ મેળવવા શેરડીના રસનો સૌથી વધુ ઉપયોગ કરે છે. તે સિવાય લોકો ગરમી સામે રક્ષણ મેળવવા અલગ-અલગ ઠંડા પીણાં પીતાં હોય છે. દર વર્ષે જે પ્રમાણે ગરમી પડે છે તેના કરતાં આ વર્ષે ડીસા શહેરમાં ગરમી શરૂઆતથી જ વધારે પડી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ આગામી સમયમાં વધુ ગરમી પડશે.
સાંજના સમયે બહાર નીકળવાનું પસંદ કરી રહ્યાં છે લોકો
આ અંગે ડીસાના સ્થાનિક અપૂર્વ સીસોદિયાએ જણાવ્યું હતું કે હાલમાં ડીસામાં ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. આ ગરમીથી રક્ષણ મેળવવા લોકો ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યાં છે. તે સિવાય બાર વાગ્યા પછી ગરમી વધુ પડતી પડે છે. જેના કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી અમે લોકો સાંજના સમયે બહાર નીકળવાનું પસંદ કરી રહ્યાં છીએ.
ઠંડા પીણાથી તરસ છીપાવવાનો પ્રયાસ
આ અંગે વાહનચાલક જીગર સૈનીએ જણાવ્યું હતું કે હાલમાં અમારે વાહન લઇને બહાર નીકળવું હોય તો પણ હાથમાં મોજાં, માથે કેપ પહેરીને નીકળવું પડે છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે અમે લોકો સૌથી વધુ ઠંડા પીણાંનો ઉપયોગ કરી રહ્યાં છીએ. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ અત્યારે ગરમી સૌથી વધુ પડી રહી છે ત્યારે હજુ તો આવનારા સમયમાં ગરમીનો વધુ પડતો સામનો કરવો પડશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ગરમીને લઈ પ્રાણીઓ,પક્ષીઓ અને સરીસૃપો માટે ખાસ વ્યવસ્થા