બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે પવનના કારણે તબાહી સર્જાઇ હતી. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ભારે પવન અને વરસાદના કારણે અનેક ગામોમાં તબાહી સર્જાઈ હતી. સતત ત્રણ દિવસ સુધી પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામ પાણીમાં ડૂબાઈ ગયા હતા. મોટાભાગના સરહદી વિસ્તારના ગામોમાં વરસાદી પાણીના કારણે શાળાઓ રસ્તાઓ ખેતરો ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
પૂરની સ્થિતિ: ભારે વરસાદના કારણે ગામોમા પૂરની સ્થિતિ જોવા મળી હતી. ગામમાં રહેલા અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોની હાલત કફોડી થઈ ગઈ છે. જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ઉચપા, ચુવા, ગંભીરપુરા, ભાખરી, ગોલગામ, નાળોદર સહિતના ગામોમાં આજે વરસાદ બંધ થયાને દિવસો વીતી ગયા હોવા છતાં પણ આજે આ ગામમાં વરસાદી પાણીના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ખેડૂતોને હાલાકી: ખાસ કરીને ભાખરી ગામથી ગોલગામ તરફ જતા ગામોમાં 200 હેક્ટર જમીનમાં અત્યારે પણ પાણી ભરાઈ રહેતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને આ વર્ષે ખેતી કરવી પણ મુશ્કેલી ભરી બની છે તો બીજી તરફ લોદરાણી રોડ પરથી પસાર થતા પાણીના કારણે રોડ પણ તૂટી ગયો છે. જેના કારણે અહીં ખેતરોમાંથી પસાર થતા ખેડૂતો હાલ તૂટેલા રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.
સામાન્ય જનજીવન વિખેરાયું: સરહદી વાવ વિસ્તારોમાં હવે વરસાદ બંધ થતા શાળાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ શાળાએ પહોંચવા માટે બાળકોને વરસાદી પાણીથી ભારે હાલાકી ભોગવી પડે છે. અનેક રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ રહેતા બાળકો જીવના જોખમે વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. હાલમાં સરહદી વિસ્તારોમાં અવરજવર કરતા વાહન વ્યવહાર પણ બંધ છે. જેના કારણે લોકોને અવર-જવર કરવામાં પણ મુશ્કેલી ભોગવી પડી રહી છે.
'અમારા આ ગામોમાં પાણી ભરાયેલું રહે છે જેથી અમને આ પાણીમાંથી પસાર થવું પડે છે જેના કારણે ખૂબ મોટી મુશ્કેલીઓ પડી રહી છે. બીજી તરફ અમારા બાળકો અહીંથી ભણવા માટે જાય છે પરંતુ આ પાણીના કારણે તેમને પાણીમાંથી ચાલીને ભણવા જવા માટે મજબૂર થવું પડે છે. તેથી તંત્ર દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે જેથી શાળા જતા બાળકો અને અન્ય લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.' -સ્થાનિક
લોકોની માંગ: આ બાબત સરહદી વિસ્તારના લોકોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે. તેમ છતાં પણ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન થતા ફરી એકવાર આ તમામ ગામો પાણીમાં ફેરવાઈ ગયા છે. તાત્કાલિક ધોરણે આ કામમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે નહિતર આવનારા સમયમાં જમીન ખારી થઈ જશે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થશે.