બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસની મહામારીમાં આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે. ત્યારે આજે ડીસામાં બે મહિનાથી લોકો કોરોના વાઈરસની લડાઈમાં જોડાયેલ તમામ આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઈરસની લડાઈમાં જોવા મળી રહ્યું છે. સમગ્ર વિશ્વના ડોક્ટરો, પોલીસ જવાનો અને સ્થાનિક લોકો દ્વારા સતત કોરોના વાઈરસની લડાઈમાં જોડાયેલા જોવા મળી રહ્યાં છે. ભારતમાં દેશમાં પણ કોરોના વાઈરસના કારણે દેશ છેલ્લા બે મહિનાથી લોકડાઉનના કારણે બંધ છે.
કોરોના વાઈરસની લડાઈમાં પોલીસના જવાનો અને આરોગ્ય વિભાગ સતત લોકો સુરક્ષામાં રહે તે માટે રાતદિવસ મહેનત કરી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં સતત વધતા કોરોના વાઈરસના કેસમાં પણ તમામ આરોગ્ય વિભાગ દર્દીઓને સારું થઈ જાય તે માટે તેમની સારવાર કરી રહ્યાં છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પણ શરૂઆતમાં રોજના દસથી પણ વધુ કોવિડ-19ના પોઝિટિવ કેસ આવતા હતા. પરંતુ સતત આરોગ્ય વિભાગની મહેનતના કારણે અત્યાર સુધી 86 પોઝિટિવ વ્યક્તિઓમાંથી 50 જેટલા દર્દીઓને સારવાર આપી નેગેટિવ રિપોર્ટ આવતા તેમને રજા આપવામાં આવી છે.
આજે ડીસા શહેરના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા બહારથી કોરોના વાઈરસની લડાઈમાં જોડાયેલા તમામ આરોગ્ય વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને તમામ આરોગ્ય કર્મચારીઓનો આભાર માની આજે તેમના વતન મોકલી આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી જીગ્નેશ હરિયાણી, ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને આરોગ્ય વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.