ડીસાઃ એક તરફ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની બજારોમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. ચોમાસાની ઋતુ ચાલતી હોવાના કારણે હાલમાં ઠંડા-પીણાંની દુકાનો અને લારીઓવાળાઓ ઠંડાપીણાંનું વેચાણ કરે છે. પરંતુ આવી દુકાનો વાળા ન જેવા પૈસા કમાવવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે અને એક્સપાયરી વાળી વસ્તુઓ લોકોને આપતા હોય છે.
હાલમાં ચોમાસું પણ શરૂ થઈ ગયું છે, ત્યારે ચોમાસામાં કોરોના વાઇરસ વધુ ન વકરે તે માટે આજે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બની ખાદ્યસામગ્રીનું વેચાણ કરતા એકમો પર દરોડા પાડયા હતા. જેમાં ડીસા બ્લોક હેલ્થ કચેરી દ્વારા અલગ-અલગ 105 જેટલી ટીમોએ ડીસા શહેરમાં તપાસ હાથ ધરી હતી. આઇસ્ક્રીમ, ઠંડા પીણા, સોડા, શરબત, ફરસાણ અને કારીયાણા સહિત ખાદ્યસામગ્રીઓના વેચાણ કરતી દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી.
જેમાં કેટલીક જગ્યાએ અખાદ્યસામગ્રીઓ મળી આવતા આરોગ્ય વિભાગની ટીમોએ જથ્થાનો નાશ કર્યો હતો તેમજ કોરોના વાઇરસના સંક્રમણને પગલે માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર કર્મચારીઓ અને માલિકોને પણ દંડ ફટકાર્યો હતો. આરોગ્ય વિભાગની કાર્યવાહીથી અન્ય અખાર્ધસામગ્રીઓનું વેચાણ કરનાર તત્વોમાં પણ ફફડાટ ફેલાયો હતો.